રાજકોટઃ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આ વખતે તેઓ જાહેરમાં થૂંકતા જોવા મળ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
અરવિંદ રૈયાણી સાથે રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પણ જોવા મળી રહ્યાં છે. વાતચીત બાદ અરવિંદ રૈયાણી મોંઢા પર પહેરેલ માસ્ક ઉતારીને જાહેરમાં જ થૂંકતા પણ જોવા મળી રહ્યાં છે.
રૈયાણી દ્વારા ચલાવવામાં આવતા રસોડામાં જ આ ઘટના બની છે. પરંતુ લોકપ્રતિનિધિ થૂંકતા કેમેરામાં કેદ થયા છે અને શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જ્યાં ત્યાં થૂંકવા પર દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. બીજી તરફ સરકારના જ નેતાઓ જાહેરમાં થૂંકતા નજરે પડી રહ્યાં છે.
આમ કોરોના વાઇરસની મહામારી વચ્ચે રાજકોટ ભાજપના આ વિવાદિત ધારાસભ્ય સતત ત્રીજી વખત વિવાદમાં આવ્યા છે. અગાઉ અરવિંદ રૈયાણી હોસ્પિટલ સ્ટાફને ધમકાવતા અને બીજી વખત બાઈક રોકવા મુદ્દે પોલીસ સાથે માથાકૂટ કરતા જોવા મળ્યા હતા.