- ફાયર સેફટી મુદ્દે RMC અને IMAના તબીબો આમને-સામને
- મનપા રજૂઆત નહીં સ્વીકારે તો હોસ્પિટલ બંધ કરવી પડશે
- પૂરતો સમય આપવાની માગ
રાજકોટ : શહેરમાં અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 8 ખાનગી હોસ્પિટલોને ફાયર સેફટી સહિતની સુવિધાનો અભાવ હોવાને લઈને સીલ કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે RMCના નિર્ણયને લઈને IMAના ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો મનપા અમારી રજૂઆત નહીં સ્વીકારે તો અમારે ના છૂટકે હોસ્પિટલ બંધ કરવી પડશે. અમે નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છીએ. જોકે, પૂરતો સમય આપે જૂના બાંધકામ છે, જૂની હોસ્પિટલ છે ત્યાં નવા નિયમોનું પાલન કરવાનું તાત્કાલિક શક્ય નથી. જે કારણે તેમને પૂરતો સમય આપવાની માગ કરી છે.
અમે અમારી હોસ્પિટલ્સ બંધ કરી દઇશું
રાજકોટમાં અન્ય હોસ્પિટલ્સ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે રાજકોટમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્યોએ નિર્ણય જાહેર કર્યો છે કે, રાજકોટ મનપા હોસ્પિટલ સીલ કરે તે અગાઉ જ અમે અમારી હોસ્પિટલ બંધ કરી દઇશું. તેમજ ફાયર સેફ્ટી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા બાદ જ આ હોસ્પિટલને ફરી શરૂ કરવામાં આવશે.
હોસ્પિટલ્સમાં દાખલ નહીં કરવાની ચીમકી
રાજકોટમાં 8 હોસ્પિટલ્સ સીલ કરવાના મામલે IMA તબીબો રોષે ભરાયા છે. તેમજ કેટલીક હોસ્પિટલમાં જૂનું બાંધકામ હોવાના કારણે જ્યારે અમુક હોસ્પિટલ કોમ્પલેક્ષમાં હોવાથી બિલ્ડિંગમાં અન્ય લોકોના કારણે NOC નહીં મળ્યું અને હાલ ફાયર સેફ્ટીના સાધનોની માગને કારણે પણ હોસ્પિટલ્સને તમામ સાધનો મળ્યા હોવાની રજૂઆત મનપાને કરી હતી. આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવતા તબીબોએ દર્દીઓને પણ આગામી દિવસોમાં હોસ્પિટલમાં દાખલ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે.