- કોરોના બાદ દારૂના સેવનને લઈને કરાયો સર્વે
- સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોએ કર્યો સર્વે
- મોટાભાગના લોકોએ દારૂ કોરોનાથી રક્ષણ આપતો હોવાનું જણાવ્યું
રાજકોટ : કોરોના મહામારી દરમિયાન સૌથી વધારે જો કોઈ અફવા ફેલાઈ હોય તો તે છે, 'દારૂ પીવાથી કોરોના થતો નથી.' આ અફવા એ હદ સુધી પ્રસરી છે કે ઘણાબધા લોકોની દારૂ પ્રત્યેની માન્યતાઓ બદલાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના 2 અધ્યાપક દ્વારા આ માન્યતાઓ અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોની રૂબરૂ મુલાકાત અને ટેલિફોનિક વાતચીતના આધારે એક વિશેષ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અત્યંત ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
શું ખરેખર દારુ કોરોના વાઇરસને મારે છે ?
દારુ એ કોઈ વાઇરસને નથી મારતું, આલ્કોહોલ એ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર વિપરીત અસર કરે છે. જેના કારણે કોરોના સહિત ઘણીબધી બિમારીઓ થવાની શક્યતા પણ રહેલી છે. વધુ પડતો દારૂ પીવાથી ચેપ સામે લડવામાં મદદરૂપ સાઇકોટિન પ્રોટીન બનવાની પ્રક્રિયામાં પણ અડચણ આવે છે. આ ઉપરાંત દારૂ પીવાથી ગળું સાફ થતું હોવાની માન્યતાઓ પણ તદ્દન ખોટી છે.
13 ટકા લોકોએ કોરોના પછી દારૂ પીવાનું શરૂ કર્યું
કોવિડ-19 મહામારીમાં ઘણા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે લોકો અવનવા નુસખાઓ અપનાવે છે અને નુસ્ખાઓ શોધવા માટે સૌથી ઉત્તમ અને સરળ સાધન છે ઈન્ટરનેટ. કોરોના મહામારી દરમિયાન વહેતી થયેલી એક અફવા મુજબ દારૂ પીનારા લોકોને કોરોના થતો નથી. જોકે, સોશિયલ મીડિયામાં આ અફવાએ એટલું જોર પકડ્યું હતું કે, જે લોકો દારૂ વિરોધી હતા તેમણે પણ દારૂ પીવાનું શરુ કર્યું હતું. પુરુષો તો ઠીક કેટલીક મહિલાઓએ પણ આ અફવાઓના કારણે દારૂ પીવાનું શરૂ કર્યું છે. મનોવિજ્ઞાન ભવનના સર્વે અનુસાર, ગ્રામ્ય વિસ્તારના 9 ટકા લોકોમાં કોરોનાને કારણે દારૂ પ્રત્યેની માન્યતાઓ બદલાઈ છે. જ્યારે, 13 ટકા લોકોએ સ્વિકાર્યું છે કે, તેમણે કોરોના બાદથી દારૂ પીવાનું શરૂ કર્યું છે.
શા માટે દારૂ પીનારા લોકો ઉંમર કરતા વધુ વૃદ્ધ દેખાય છે ?
માનવીય મગજ રસાયણો તેમજ પ્રક્રિયાઓના નાજુક સંતુલન પર આધાર રાખે છે. દારૂ આ સંતુલનને વિક્ષેપિત કરી શકે છે. આપણા વિચારો, લાગણીઓ અને ક્રિયાઓને અસર કરે છે અને કેટલીક વખત લાંબાગાળાના માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ બાબત આપણને હતાશા અને ખિન્નતા તરફ લઈ જાય છે. મનોદૈહિક વિકૃતિ મુજબ દારૂ ત્વચા માટે નુકસાનકારક છે. તે ચામડીને શુષ્ક કરે છે અને સમય જતાં તેને બગાડે છે. જેથી દારૂ પીનારા વ્યક્તિ તેમની ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાય છે.
દારૂ અને આક્રમક્તા વચ્ચે શું છે કનેક્શન ?
જેમ જેમ લોકો વધુ દારૂ પીતા હોઈએ છીએ, તેમ તેમ આપણા મગજના કાર્ય પર વધારે અસર થાય છે અને દારૂના વધતા જતા વપરાશ સાથે આપણે જે મૂડમાં છીએ તેના પર વિપરીત અસર થાય છે. નકારાત્મક લાગણીઓનો પ્રભાવ પડે છે. જેનાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. દારૂને આક્રમકતા સાથે જોડી શકાય છે. જેમ કે, કેટલાક લોકો દારૂ પીધા બાદ ગુસ્સો, આક્રમક્તા, બેચેની તેમજ હતાશાનો અનુભવ કરે છે.
દારૂ પરનો આધાર નિર્ભરતા તરફ દોરી જાય છે
કેટલાક લોકો દારૂ પીધા પછી ‘રિલેક્સ’ થવાની લાગણી અનુભવે છે. આ લાગણી દારૂને કારણે નહીં, પરંતુ મગજમાં થતા રસાયણિક ફેરફારોને કારણે છે. જોકે, આ અસરો ઝડપથી અશાંતિ તરફ લઈ જાય છે. અસ્વસ્થતામાંથી સ્વસ્થ થવા માટે દારૂ પરનો આધાર તેની નિર્ભરતા તરફ દોરી શકે છે. દારૂની સંભવિત આડઅસર સ્વરૂપે તમારે સમાન લાગણી મેળવવા માટે વધુ દારૂ પીવાની જરૂર પડે છે અને આ બાબત ઘણીવખત દારૂના અવલંબન તરફ દોરી જાય છે.
દારૂ એ માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય માટે હાનિકારક
મનોવિજ્ઞાન મુજબ દારૂ એ માણસના માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે આપણા ઘનિષ્ઠ સંબંધોમાં હિંસા સહિત ઇજાઓ અને હિંસાના જોખમને વધારવા માટે કારણરૂપ છે. COVID-19 દરમિયાન લોકડાઉન સમયે આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્યની નબળાઈ, સાહસિક વૃત્તિ, માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો અને હિંસાને વધારે છે. તબીબી નિષ્ણાંત અને મનોવૈજ્ઞાનિક જણાવે છે કે, દારૂ એ કોરોનાથી સુરક્ષા અપાવતો નથી.
દારુને લઈને લોકો તરફથી મળેલા પ્રશ્નો અને માન્યતાઓ
1. અમારા પડોશી દારૂ પીવે છે. તેને કોરોના નથી થયો. અમે તમાકુ કે દારૂ ક્યારેય લેતા નથી. તો પણ અમારા આખા ઘરને કોરોના થયો છે.
2. શું દારૂ પીવે તેને કોરોના ન થાય ?
3. મેં એકાદ બે વખત થોડો દારુ પીધો છે, તો પ્રેગન્સી પર તેની કોઈ આડઅસર તો નહીં થાય ને ?
4. શું આલ્કોહોલનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે ?
5. શું કોવિડ વેક્સિન લીધા પછી આલ્કોહોલ પીવું સલામત છે ?
6. શું આલ્કોહોલ પીવાથી રોગપ્રતિકારક શક્તિ અને કોવિડ -19નો પ્રતિકાર ઓછો થાય છે ?
7. શું આલ્કોહોલ સ્વયં પ્રતિરક્ષાનું કારણ બની શકે છે ?
8. શું આલ્કોહોલ લઈએ તો શરીરની અંદરના કીટાણું મરી જાય ?
9. આ ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની છે તો બાળકોને અત્યારથી આલ્કોહોલ પીવડાવાનું ચાલુ કરી દઈએ ?
10. મારાં દાદા બીમાર છે તો તેને રોજ એક એક ચમચી આલ્કોહોલની આપીએ તો રોગપ્રતિકારક શકતી જલ્દી વધી જાય.
11. મારા ઘરે નાનું બાળક જન્મ્યું છે, તો તે સંક્રમિત ન થાય એ માટે તેને એક એક બોટલની ઢાંકણી આપી શકાય ?
12. મારી પત્ની ગર્ભવતી છે, તો તેને આલ્કોહોલની એક એક ચમચી આપીએ તો ?
13. મારા પપ્પાને ઊંઘ જ નથી આવતી તો દારૂ પીવડાવીએ તો ઊંઘ આવી જાય ને ?
દારૂના કારણે માત્ર એક વ્યક્તિ જ નહિં, સમગ્ર પરિવાર પીડાય છે
દારૂ પીવાથી માત્ર એક વ્યક્તિ જ હેરાન નથી થતો. તેને લાગતા વળગતા સેંકડો લોકો પ્રભાવિત થાય છે. દારૂના સેવનના કારણે હત્યા, આત્મહત્યા, બળાત્કાર તેમજ અકસ્માતોના કિસ્સા સર્જાતા રહે છે. રેગ્યુલર દારૂ પીનારા લોકોની તેના પરની નિર્ભરતા એટલી હદ સુધી વધી શકે છે કે, તેઓ માનસિક અને શારિરીક રીતે સંતુલન ગુમાવી બેસે છે. આ સિવાય વ્યક્તિની સામાજિક અને આર્થિક ક્રિયાઓમાં પણ મુશ્કેલી પડે છે.
નપુંસકતાની પણ છે સંભાવના
વ્યસનીઓને દારૂ પીધા બાદ અમુક સમય સુધી આંતરિક શકિત, સ્ફૂર્તિ, ખુશી, સંતોષ વગેરેનો અનુભવ થવા લાગે છે. તે એવી અવાસ્તવિક દુનિયામાં પહોંચી જાય છે કે જ્યાં કોઈ પ્રકારની ચિંતા અને ડર હોતા નથી. થોડા સમય માટે તેનું આત્મગૌરવ પણ વધી જાય છે. મનોવિજ્ઞાનના અભ્યાસો જણાવે છે કે, દારૂના વ્યસનીઓમાં જાતિય ઉત્તેજના તો વધે છે, પરંતુ જાતિય દેખાવ નબળો જોવા મળે છે. એટલે કે, મદ્યપાન કરનારા વ્યક્તિ જાતિય રીતે ધીમે ધીમે નબળા થતા જાય છે અને તેમનામાં નપુસંકતા પણ આવી જતી હોય છે. આવી વ્યક્તિમાં બ્લેકઆઉટ થવાની અને સ્વભાવ ભૂલકણો બનવાની સમસ્યા પણ વધી જતી હોય છે. તેમના શરીરમાં ધ્રુજારી, નિયંત્રણની ખામી, ભોજનમાં ખામી, અવાર નવાર પીવાની ટેવ વગેરે બાબતો જોવા મળે છે.
આલ્કોહોલની અવસ્થાઓ
1. પૂર્વ અવસ્થા : આ અવસ્થામાં વ્યક્તિ પહેલા સામાજિક પ્રસંગોપાત જ ખાસ સમયે મદ્યપાન કરે છે. શરાબ પીવાના પરિણામે તે પોતાનો તણાવ, ડર અને ચિંતા થોડા સમય માટે ભૂલી જાય છે. તેને કાલ્પનિક આનંદ મળે છે. શરૂઆતમાં તે મદ્યપાન તણાવ ઓછો કરવા માટે ક્યારેક ક્યારેક કરે છે, પરંતુ ધીમે ધીમે તણાવની સહનશકિત એટલી ઓછી થઈ જાય છે કે, નાની નાની બાબતોમાં તેને શરાબનું સેવન કરવું પડે છે. પરિણામે જ્યાં વ્યક્તિ ક્યારેક જ પીતો હતો. ત્યાં હવે તે સતત અને દરરોજ પીવા લાગે છે.
2. પ્રારંભિક અવસ્થા : આ અવસ્થામાં પીનારી વ્યક્તિના વર્તનમાં કેટલીક અસાધારણ બાબતો જોવા મળે છે. શરાબની માત્રા વધારી દેવી, સ્મૃતિ ભાસ, છુપાઈને પીવું, ઝડપથી પી જવું, જાહેરમાં ન પીવું અને વ્યક્તિ દોષનો ભાવ અનુભવે છે.
3. સંકટ સમયની અવસ્થા : આ અવસ્થામાં વ્યક્તિનું મદિરાપાન પરથી નિયંત્રણ ચાલ્યું જાય છે. તે શરાબ પીવાનું શરૂ કરે છે તો બેભાન જેવી હાલત ન થાય ત્યાં સુધી પીવે છે. સામાજિક નિયમો, સમય તથા પરિસ્થિતિનો કોઈ ખ્યાલ રહેતો નથી. પરિણામે ક્યારેક તેને પોતાના વ્યવસાય અથવા નોકરીથી વંચિત રહેવું પડે છે. તે પોતાની શરાબ પીવાની ટેવને યુક્તિપૂર્વક દલીલો દ્વારા છુપાવવાના પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં આક્રમક વર્તન, અવિવેક, વિરોધ, સતત પછતાવો અને આત્મ ગ્લાનિ વ્યક્તિ અનુભવે છે.
4. લાંબાગાળાની અવસ્થા : અહીં દિવસની શરૂઆત જ દારૂ પીવાથી થાય છે. વ્યસનીઓ દારૂને જ પોતાની જિંદગીનો એક ભાગ માની લે છે. તે દારૂ પીવા માટે ઘરની વસ્તુઓ, ઘરેણાં, કપડાં બધું છુપાવીને વેચી દે છે અને તે રકમનો દારૂ પી જતો હોય છે. તેની આર્થિક, સામાજિક અને માનસિક સ્થિતિ બગડતી જાય છે તે પાયમાલ થઈ જાય છે.
વ્યક્તિ જ્યારે દારૂ આધારિત થાય ત્યારે તેના લક્ષણો
1. વ્યક્તિમાં સહનશીલતા વિકસિત થઈ ગઈ હોય છે. તેને હવે થોડી માત્રાની અસર થતી નથી માટે તે આલ્કોહોલની માત્રા વધારે છે.
2. આલ્કોહોલ લેવાનું બંધ કરવાથી વ્યક્તિમાં પીછેહઠ ના લક્ષણ વિકસિત થઇ જાય છે. આ પીછેહટ ને દૂર કરવા માટે વ્યક્તિ અવેજી રૂપ બાબતો શરૂ કરી દે છે.
3. વ્યક્તિ એ સ્વીકારે છે કે વધારે માત્રાના પોતે શરાબ પીવે છે.
4. તેની દિનચર્યા શરાબ શરાબ ને શરાબ જ હોય છે.
5. આલ્કોહોલના સેવનથી ઘણી ક્રિયાઓ જેમ કે મનોરંજન કરવું, સમજિક્કૃત થવું વગેરે બાબતમાં ખામી જોવા મળે છે.