રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટમાં કોરોનાના કારણે દરરોજ દસથી વધારે દર્દીઓના મોત થઈ રહ્યા છે. જ્યારે છેલ્લા 17 દિવસમાં રાજકોટમાં કોરોના 273 દર્દીઓના મોત નોંધાયા છે. ત્યારે રાજકોટ મનપાના ચોપડે અત્યાર સુધીમાં કોરોનાના કારણે માત્ર 61 દર્દીઓના જ મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 2800 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 1461 દર્દીઓને કોરોનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, પરંતુ રાજકોટમાં દરરોજ કોરોનાના દર્દીઓના થઈ રહ્યા છે.
આ સમગ્ર મામલે ETV ભારત દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ વારંવાર આ અંગેની વાત ટાળી રહ્યા હતા. જેના પરથી લાગી રહ્યું છે કે, ખરેખર રાજકોટ કોર્પોરેશન પણ કોરોનાના કેસના આંક છુપાવી રહી છે. રાજકોટમાં હાલ સરકારી હોસ્પિટલમાં 516 અને ખાનગી હોસ્પિટલમાં 350 કોરોના દર્દીઓ માટે બેડની ક્ષમતા છે. આ સાથે જ રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા 19 ખાનગી હોસ્પિટલને પણ કોવિડ માટેની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ રાજકોટ શહેરમાં જ દરરોજ 60 જેટલા દર્દીઓ પોઝિટિવ આવે છે અને સામે 30 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવે છે.
રાજકોટમાં તાજેતરમાં જ કોરોનાના કેસ વધતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ રાજકોટમાં કોરોના દર્દીઓ માટે 3500 બેડની હોસ્પિટલ અંગેની જાહેરાત કરી હતી. જ્યારે હવે રાજકોટમાં હવે કોરોનાના પોઝિટિવ કેસનો આંક 3 હજાર સુધી પહોંચી ગયા છે, પરંતુ તંત્રનું પેટનું પાણી હલતું ન હોય તેવું લાગી રહ્યું છે. આ બધામાં મહત્વની વાત એવી પણ સામે આવી હતી કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને સમરસ હોસ્ટેલ જ્યાં કોરોનાના દર્દીઓને રાખવામાં આવે છે, ત્યાં પણ દર્દીઓ સાથે ગેરવર્તણૂક થયું હોવાના વીડિયો ઘણી વાર રાજકોટમાં વાઇરલ થયા છે.