રાજકોટઃ રાજકોટમાં બે દિવસ પહેલા કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા માટે ડુંગળી અને એરંડા સહિતનો પાક બોરીમાં ભરીને આવ્યા હતા પરંતુ તેઓ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરે તે પહેલાં જ પોલીસ દ્વારા પાલ આંબલિયા સહિતના અન્ય ચાર જેટલા કોંગી આગેવાનોની ધરપકડ કરી હતી.
પરંતુ ધરપકડ બાદ તેમણે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ પાલ આંબલિયા સહિતના કોંગી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમને રાજકોટ પોલીસે ફરી બોલાવ્યા હતા અને બેફામ માર માર્યો હતો. ત્યારબાદ આખી રાત તેમને લોકઅપમાં પુરી રાખ્યા હતા. જેને લઈને કોંગ્રેસના દિગગજ નેતાઓ આ મામલે કાલાવડ રોડની મામલતદાર કચેરીમાં રજુઆત કરી હતી અને ત્યારબાદ પાલ આંબલિયાને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કોંગી નેતાઓ પર જે અત્યાચાર કરવામાં આવ્યો હોવાની કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને રજુઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું.