- મુખ્યપ્રધાન રૂપાણી રાજકોટની મુલાકાતે
- રાજકોટમાં કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
- પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પ્રોડેક્ટનો શુભારંભ કરાયો
રાજકોટઃ આજે ગુરુવારે શહેરના તિરુપતિ હેડ વર્કસ, કોઠારીયા ચોકડી નજીક રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૈયા રોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતેના અન્ડરબ્રિજનું, કોઠારીયા અને વાવડી પાણી પુરવઠા યોજનાનું, કેકેવી ચોક, જડુસ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફ્લાય ઓવરબ્રિજ તથા અન્ય વિવિધ વિકાસ કામોનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કુલ 489.50 કરોડ ખર્ચેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેકટનું ખાતમુહૂર્ત લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલી વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા 56.58 કરોડના 416 આવાસોનો મુખ્યપ્રધાનના હસ્તે કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યો હતો. તેમજ "હેકેથોન-2021-Year of Idea" સ્પર્ધાનું આયોજન તથા આવાસ યોજનાના લાભાર્થીઓને "પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ" પાઇલોટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરવામાં આવ્યો. આ સાથે જ મુખ્યપ્રધાન દ્વારા કિશાનપરા ચોક ખાતે “પબ્લિક બાઈક શેરીંગ” પાઈલોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
રાજકોટ જીવવાલાયક અને માણવાલાયક શહેર: CM
આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, જે પ્રકારે ગત 5 વર્ષથી શ્રેણીબદ્ધ વિકાસકાર્યોની હારમાળા રચાયેલી છે. તે રાજકોટને જીવવાલાયક અને માણવાલાયક શહેર બનાવી રહી છે. માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં જબરદસ્ત વિકાસકામો ચાલી રહ્યાં છે. કોરોના મહામારીને કારણે રાજ્ય અને દેશમાં થોડો સમય બધું થંભી ગયું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને અવિરત માર્ગદર્શનમાં આપણે તમામ લોકોએ સાથે મળીને કોરોનાને અટકાવ્યો છે.
રાજ્યમાં રુપિયા 27,000 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા
આજે ગુરુવારના આ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગેરેના પાલન બદલ ઉપસ્થિત સૌ કોઈને ખાસ અભિનંદન પાઠવતા મુખ્યપ્રધાન રૂપાણીએ ઉમેર્યું હતું કે, ગત થોડા સમયમાં જ રાજ્યમાં રુપિયા 27,000 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા છે. મુખ્યપ્રધાને 2 દાયકા પૂર્વેના સમયને યાદ કરતા કહ્યું કે, એ સમયમાં રાજ્ય સરકારનું બજેટ માત્ર રુપિયા 9,000 કરોડનું હતું, જ્યારે આપણે રુપિયા 2,10,000 કરોડનું જંગી બજેટ રજુ કર્યું હતું. રાજ્યના સર્વાંગી વિકાસમાં શાસકોની ઈચ્છાશક્તિનું મહત્વ ખુબ જ રહે છે. જેમ કે, સન 1960માં સરદાર સરોવરનો શિલાન્યાસ થયો હતો, પરંતુ આ યોજના પૂર્ણ કરાવવાનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે સન 2018માં સરદાર સરોવર યોજના પૂર્ણ કરાવી હતી એ આપણે સૌ જાણીએ છીએ.
શહેરની પાણીની કટોકટીને ભૂતકાળ બનાવી દીધી
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરે વરસો સુધી જળકટોકટીનો સામનો કર્યો છે. જો કે, ગુજરાત સરકારે નર્મદાના નીર રાજકોટના ડેમોમાં પહોંચાડીને શહેરની પાણીની કટોકટીને ભૂતકાળ બનાવી દીધી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રાજકોટને નવું એરપોર્ટ, નવું બસ પોર્ટ, માધાપર ચોકડી ખાતે નવું બસ સ્ટેન્ડ, એઈમ્સ, નવી જી.આઈ.ડી.સી., નવી ઝનાના હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કોર્ટ માટે નવું બિલ્ડિંગ, રાજકોટ – અમદાવાદ સિક્સ લેન હાઈ-વે, રાજકોટ–મોરબી ફોર લેન હાઈ-વે વગેરે પ્રોજેક્ટની ભેટ મળી છે. શહેરની ટ્રાફિકની સમસ્યા ક્રમશ: હળવી કરવા, ફાટકમુક્ત શહેરનો સંકલ્પ પૂર્ણ કરવા અન્ડરબ્રિજ તેમજ ઓવરબ્રિજ બનાવ્યા અને હજુ નવા નવા બ્રિજ આકાર લઇ રહ્યાં છે.
રાજકોટને રુપિયા 204 કરોડની ફાળવણીની રાજ્ય સરકારે કરી
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ રાજકોટના વિકાસ યાત્રા આગળ ધપાવવા માટે રાજ્ય સરકાર વતી રુપિયા 204 કરોડની ફાળવણીની જાહેરાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પૈસાના વાંકે રાજકોટ અને રાજ્યનો વિકાસ નહીં અટકે. વિકાસકાર્યો થકી જ રાજ્ય આર્થિકરીતે પ્રગતિ સાધી શકે છે. સમૃદ્ધ બની શકે છે. રાજકોટ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રુપિયા 35 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમજ વિવિધ શહેરો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ રુપિયા 4,544 કરોડ અને રાજ્યમાં શહેરી વિકાસ માટે રુપિયા 15,000 કરોડ ફાળવાયેલા છે. ગત 3 વર્ષમાં સરકારે 300 ટીપી સ્કીમ ફાઈનલ કરી છે અને એના આધારે જ સુનિયોજિત નગર વિકાસ શકય બની શક્યો છે. વિકાસની પાયાની 2 શરતો છે, પાણીની સુવિધા અને કાયદો વ્યવસ્થા. સરકારે રાજ્યમાં સન 2022 સુધીમાં ઘેર ઘેર નલ સે જળ યોજના હેઠળ પાણી પહોંચાડવા જે યોજના બનાવી છે, તેમાં દર મહિને એક લાખ કનેક્શન લેખે આગામી 17 માસમાં 17 લાખ કનેક્શન આપી આ યોજના સાકાર કરવામાં આવશે. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નાગરિકો માટે સલામતી અને સુરક્ષા આપે તેવી બનાવી રાખવા વિવિધ પગલાંઓ લેવાયા છે. ભૂમાફિયાઓ અને ગુંડાઓને કડક પાઠ ભણાવવા ખૂબ કડક કાનૂન બનાવી તેનો અમલ થઇ રહ્યો છે. આ સાથે જ ભ્રષ્ટાચાર દૂર કરવા એન્ટી કરપ્શન તંત્રને મજબૂત બનાવાયું છે.