- વેન્ટિલેટરના સહારે જીવનની શરૂઆત કરનાર બાળક થયું કોરોના મુક્ત
- બાળકના માતા કોરોના પોઝિટિવ હોવાને કારણે બાળક પર થયું હતું કોરોના ગ્રસ્ત
- ડોક્ટર્સની ટીમ દ્વારા ખાસ સારવાર શરુ કરાતા બાળકે કોરોનાને હરાવ્યું
રાજકોટઃ શહેરમાં વેન્ટિલેટરના સહારે જીવનની શરૂઆત કરનારા નવજાત બાળક કોરોના મુક્ત થયું હતુ, જેથી તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી. બાળકના માતા સારીકા સોરઠીયા અને પિતા ભાવિનને કોરોના પોઝિટિવ હતો. સારીકાબેન ગર્ભવતી હોઈ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંજોગોવસાત પ્રિમેચ્યોર ડીલેવરી કરવી પડી હતી. બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળક પણ પોઝિટિવ આવ્યું હતું. આ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવીડ હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું. જન્મ સમયે બાળકનું વજન માત્ર બે કિલો હતું. બાળકની પરિસ્થિતિ ગંભીર હોઈ સિવિલના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા તેની ખાસ સારવાર શરુ કરવામાં આવી હોવાનું ડો. કોમલ મેંદપરાએ જણાવ્યું હતું.
નવજાત બાળકે આપી કોરોનાને મ્હાત
તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકની સારવાર માટે તમામ રીપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ડી - ડાઈમર, એફ. ફેરિટિનમાં વધુ વેલ્યુ આવતા તેને ખાસ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, ત્યાર બાદ સ્થિતિ સુધરતા તેને શરૂઆતમાં એર-વે અને ત્યારબાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન બાળકને માતાનું દૂધ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકની રિકવરી ખુબ ઝડપથી થતા ૧૪ દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેથી પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી છે.
બાળકને નવજીવન મળ્યું
સિવિલ અધિક્ષક ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ હાલ બાળકને વિશેષ સારવાર માટે એન.આઈ.સી. ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે. બાળકના પિતા ભાવિનભાઈ અત્યન્ત ખુશી સાથે જણાવે છે કે, મારા બાળકને નવજીવન મળ્યું છે. કોરોના સામે બાળકની કરવામાં આવેલી વિશેષ સારવારથી તેઓ સિવિલના તમામ સ્ટાફનો આભાર માને છે. કહેવાય છે કે ‘‘જેને રામ રાખે તેને કોણ ચાખે’’ આ ઉક્તિને સાર્થક કરતાં જન્મતા જ કોરોનાગ્રસ્ત બાળકે કોરોના જેવી મહામારીને પણ કુદરતે વરસાવેલી અસીમ કૃપા અને ડોક્ટર્સની મહેનત વડે મહાત આપી છે. જેણે રાજ્ય સરકારની તંદુરસ્ત બાળક વિભાવના અને બાળકના તંદુરસ્ત ભવિષ્યની પ્રતીતિ કરાવી છે.