- બજેટમાં રાજકોટ માટે ખાસ જાહેરાત
- નવું બસસ્ટેન્ડ તેમજ મેડિકલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાની કરાઈ જાહેરાત
- માધાપર પર નજીક બનશે નવું બસ સ્ટેન્ડ
રાજકોટઃ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે આજે બુધવારે વિધાનસભાગૃહમાં બજેટ રજૂ કર્યું છે. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટુ એટલે કે રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ વિધાનસભામાં રજૂ કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં લગભગ તમામ ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ માટે પણ સરકાર દ્વારા વિશેષ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં નવું બસસ્ટેન્ડ તેમજ મેડિકલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને ETV BHARAT દ્વારા લોકોની પ્રતિક્રિયા જાણવામાં આવી હતી.
ઢેબર રોડ ખાતે અતિ આધુનિક બસ સ્ટેન્ડનું તાજેતરમાં જ થયુ છે નિર્માણ
રાજકોટમાં તાજેતરમાં જ નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જે જગ્યાએ જૂનું બસ સ્ટેન્ડ હતું તેને પાડીને તેની જગ્યાએ નવું બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરના ઢેબર રોડ ખાતે અતિ આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ થયું છે. તેમજ હાલ તે ફરી કાર્યરત થઈ ગયું છે, પરંતુ હજુ પણ આ બસ સ્ટેન્ડમાં જોઈએ એટલી જગ્યા બસ પાર્કિંગની નથી મળી રહી માટે એ મોટી એક સમસ્યા ઉભી થઈ છે.
માધાપર ખાતે બસ સ્ટેન્ડ બનવાના કારણે અનેક ફાયદા
માધાપર નજીક નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. માધાપર ખાતે બસ સ્ટેન્ડ બનવાના કારણે તેનો સૌથી વધુ ફાયદો આગામી દિવસોમાં રાજકોટના જામનગર રોડ ખાતે બનનારી એઈમ્સમાં આવનારા દર્દીઓને થશે. અહીં બસ સ્ટેન્ડ બનવાના કારણે આગામી દિવસોમાં દર્દીઓને શહેરમાં અંદર જવું નહિ પડે, સીધા જ એઇમ્સ સુધી સહેલાઈથી પહોંચી જશે. જ્યારે જામનગર રોડ ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જવું પણ સહેલું બનશે. આ વિસ્તારમાં બસ સ્ટેન્ડ બનવાના કારણે આસપાસના લોકોને પણ રોજગારી મળી શકશે.
ટ્રાફિકની સમસ્યાં હળવી થશે
માધાપર ચોકડીએ મોરબી, તેમજ જામનગર તરફથી આવતા વાહનચાલકો માટેનો એન્ટ્રી પોઇન્ટ છે, એટલે અહીં મોટાભાગે ટ્રાફીકની સમસ્યા ખૂબ જ રહે છે. જ્યારે તાજેતરમાં જ રાજકોટ મનપાની ચૂંટણી પહેલા જામનગર રોડ પર આવેલા માધાપર અને ઘંટેશ્વર સહિતના ગામોને કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યાં છે. ત્યારે આ વિસ્તારના લોકો પર રાજકોટમાં જ રોજગારી માટે આવતા હોય છે તેઓ પણ દરરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરે છે. ત્યારે અહીં બસ સ્ટેન્ડ બનવાના કારણે આ વિસ્તારના લોકોને પણ ખૂબ જ રાહત થશે.