- રાજકોટ એઇમ્સનુ કામજોર પૂરજોશમાં
- AIIMSનો લોગો જાહેર કરવામાં આવ્યો
- ગુજરાતની સંસ્કૃતિ જોવા મળી લોગોમાં
રાજકોટ: ગુજરાતમાં એકમાત્ર રાજકોટ શહેરને AIIMSની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટના ભાગોળે આવેલા જામનગર રોડ પરના પરાપીપળીયા ગામ ખાતે હાલ એઇમ્સનું નિર્માણ થઇ રહ્યું છે. રાજકોટ એઇમ્સ અંદાજીત 1200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહી છે. આ AIIMS માટેની મેડિકલ કોલેજ પણ હાલ શરૂ થઈ ગઈ છે. રાજકોટ AIIMS માટેનો લોગો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ એમ્સના લોગોમાં ગુજરાતીની કલા અને સંસ્કૃતિની ધરોહરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ AIIMSનો લોગો જાહેર થતાં આરોગ્ય કર્મીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
ગુજરાતી કલા અને ધરોહરનો સમાવેશ
રાજકોટ એઇમ્સનો લોગો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની કલા અને ધરોહરને સમાવવામાં આવી છે. ખાસ કરીને પૂજ્ય મહાત્મા ગાંધીનો ચરખો સાથે ગીરની ઓળખ એવા એશિયાટિક લાયન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગરબા તેમજ સુરતના હીરા સહિતની ગુજરાતની ઓળખનો આ એમ્સના લોગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને કારણે એવું કહી શકાય છે કે ગુજરાતની કલા અને ધરોહરનો સમાવેશ ગુજરાતની AIIMS માટે કરવામાં આવ્યો છે. આ લોગો તૈયાર કરવા માટે અંદાજિત બે મહિના જેટલો સમય પણ લાગ્યો હતો અને ત્યારબાદ આ લોગો જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટ AIIMS ખાતે OPD અને ઇન્ડોર સારવારના જૂન- 2022માં થશે શ્રીગણેશ
એઇમ્સ લોગો ગિફ્ટ તરીકે આપવામાં આવ્યો
રાજકોટ એઇમ્સ માટેનો લોગો જાહેર કરવામાં આવતા આ મામલે એઇમ્સના ડાયરેક્ટર ડો. સીડીએસ કટોચે ETV Bharat સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આ લોગો મારા પત્ની ડો. શશી કટોચે તૈયાર કર્યો છે. જેમાં તમામ બાબતો એટલેકે ગુજરાતની ધરોહર, લોગોનો કલર તેમજ લોગોની સાઈઝ સહિતની વસ્તુઓ તેમના દ્વારા જ તૈયાર કરવામાં આવી છે. આ લોગો બનાવતા અંદાજીત 2 મહિના જેટલો સમય લાગ્યો છે. જ્યારે હાલ આ લોગો તમામ લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દેશની અલગ અલગ રાજ્યોની એઇમ્સમાં પોતપોતાના રાજ્યની સંસ્કૃતિ દર્શાવામાં આવી છે. એમ આપણે ગુજરાતની એઇમ્સમાં ગુજરાતી સંસ્કૃતિ દર્શાવી છે.
આ પણ વાંચો : રાજકોટઃ AIIMS અંગે રીવ્યુ મીટીંગ, વડાપ્રધાન મોદી જાન્યુઆરીમાં ખાતમુહૂર્ત કરે તેવી શકયતા
70 સભ્યોની કમિટી દ્વારા લોગોને મંજુર કરવામાં આવ્યો
રાજકોટ એઇમ્સ માટે 70 સભ્યોની ટિમ ઉભી કરવામાં આવી છે. જેમાં સાંસદોથી માંડીને, વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, નિષ્ણાત ડોક્ટર સહિતના લોકોનો સમાવેશ થાય છે. પ્રથમ રાજકોટ એઇમ્સનો લોગો તૈયાર કરીને આ સભ્યોને મોકલવામાં આવ્યો હતો. જે આ તમામ લોકોને પણ લોગો ખૂબ જ પસંદ આવ્યો હતો અને ત્યારબાદ લોગો જાહેર કરવામાં આવ્યો હતો. આ લોગો રાજકોટ એઇમ્સના ડાયરેક્ટરના પત્ની દ્વારાનિર્માણ કરવામાં આવ્યો હતો અને ગિફ્ટમાં આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ એઇમ્સ નિર્માણનું કામ હાલ જોરશોરથી થઈ રહ્યું છે. ત્યારે આગામી ડિસેમ્બર મહિનામાં રાજકોટ એઇમ્સમાં OPD શરૂ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવામાં આવી રહી છે.