- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપક ભરતી વિવાદ
- રાજકોટ NSUI દ્વારા સમગ્ર મામલે યુનિવર્સિટી ખાતે કરાયો હતો ઉગ્ર વિરોધ
- ગાંધીનગરથી ટિમ તપાસ માટે આવી
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 22 જેટલા ભવનમાં 88 જેટલા કરાર આધારીત અધ્યાપકોની ભરતી પ્રક્રિયા યોજાઇ હતી. આ ભરતી પ્રક્રિયામાં ભાજપના જ સિન્ડિકેટ સભ્યોની ભલામણના ઉમેદવારોને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે ભાજપ સિન્ડિકેટ સભ્યો દ્વારા ભરતી પ્રક્રિયાને લઇને સોશિયલ મીડિયા ગ્રુપમાં ઉમેદવારોની ભલામણ માટેના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સોશિયલ મીડિયા ગ્રુપની તમામ વાતો વાયરલ થઈ હતી. જેને લઇને રાજકોટ NSUI દ્વારા સમગ્ર મામલે યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીને આ મામલો ધ્યાને આવતા તેમના દ્વારા અધ્યાપકોની ભરતી મામલે તટસ્થ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેને લઈને સોમવારે ગાંધીનગર ખાતેથી એક તપાસ સમિતિની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી પહોંચી હતી.
ભાજપ સિન્ડિકેટની ભલામણની વાતો સોશિયલ મીડિયામાં વાઇરલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાજપના સિન્ડિકેટ સભ્યો દ્વારા વિવિધ ભવનમાં અધ્યાપકોના ભરતી માટેના ઉમેદવારોની નામની ભલામણ કરવામાં આવી હતી. જેના માટે સોશિયલ મીડિયામાં એક ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં જે તે ઉમેદવારની જે તે સિન્ડિકેટ સભ્યો દ્વારા ભલામણ કરવામાં આવી હતી. અધ્યાપકની ભરતી પ્રક્રિયાની તમામ વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે વિવાદ સર્જાયો હતો. જે બાદ રાજકોટ NSUI દ્વારા સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ મામલે તટસ્થ ન્યાયની માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, ઉત્તરવહી અંગેનો નિયમ ફેરવી તોળ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભરતી રદ કરાઈ
કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે વિવાદ સર્જાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને અધ્યાપકોની ભરતીને રદ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભરતી રદ કર્યા બાદ એ પણ જાહેરાત કરી કે આગામી દિવસોમાં ફરી પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી મામલે કૌભાંડ થયું હોવાની વાત સામે આવતા રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી હતી. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકની ભરતી મામલે નિષ્પક્ષ તપાસ થાય તે માટેની સૂચના પણ અધિકારીઓને આપવામાં આવી હતી.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી ભારે વિવાદ બાદ રદ કરાવામાં આવી
આગામી દિવસોમાં નિર્ણય સરકાર લેશે: તપાસનીશ અધિકારી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી મામલે વિવાદ બહાર આવ્યા બાદ સોમવારે ગાંધીનગર ખાતેથી એક તપાસ સમિતિ સૌરાષ્ટ યુનિવર્સિટી ખાતે આવી હતી. જે દરમિયાન તપાસ સમિતિના સભ્યો એવા ડો. એ.એસ.રાઠોડ વધુમાં જણાવ્યું હતું કે, અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્યા પ્રકારે ભરતી કરવામાં આવી છે તે ભરતી પ્રક્રિયાના દસ્તાવેજો એકઠા કરી રહ્યા છીએ અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક માહિતીઓ મેળવશું. જે બાદ અમે રાજ્ય સરકારને આ મામલે રિપોર્ટ સુપ્રત કરીશું. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા આગામી નિર્ણય લેવામાં આવશે હાલ અમે માત્ર અહીં તપાસ કરવા માટે આવ્યા છીએ.