- રાજકોટમાં ઓનલાઈન લોન કરાવી પ્રોસેસિંગ ફીનાં નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનારી ગેંગ ઝડપાઈ
- લાખો રૂપિયાની ઠગાઈ કરનારી ગેંગના 4 સભ્યો ઝડપાયા
- ગેંગનો મુખ્ય સૂત્રધાર સુરતનો જ્યારે બાકીના ત્રણ આરોપીઓ છે રાજકોટના
રાજકોટઃ શહેરમાં ઓનલાઈન લોન કરાવી પ્રોસેસિંગ ફીનાં નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનારી ગેંગનાં 4 સભ્યોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સુરતનો છે, જ્યારે બાકીના ત્રણ આરોપીઓ રાજકોટના છે અને તેઓએ સુરતમાં 500થી વધુ તેમજ રાજકોટમાં 75થી પણ વધુ લોનધારકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.
આઈડી, પાસવર્ડ મેળવી લોન પાસ થતા જ તેઓ મોટી રકમ ઉપાડી લેતા
આ ચાર શખ્સો હીરો ફીનકોર્પ ફાયનાન્સની સીમ્પલી કેશ, નાવી, ફીસડમ, સેન્ડીંગ કાર્ટ નામની સ્મોલ ફાયનાન્સ કંપનીઓ કે જે ફક્ત ઓનલાઈન અને ઈન્સ્ટન્ટ લોન આપે છે, તેમાંથી ગ્રાહકોને લોન કરાવી આપતી હતી. ગ્રાહક સંપર્ક કરે ત્યારે આ ટોળકી સૌથી પહેલાં તેને જે બેંકમાં ખાતું હોય ત્યાં મોકલી નેટબેંકીંગ શરૂ કરાવડાવતી હતી. આઈડી, પાસવર્ડ મેળવી લોન પાસ થતા જ તેઓ મોટી રકમ ઉપાડી લેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કૌભાંડનો આંક લાખો રૂપિયાનો થાય તેમ હોઈ રાજકોટ ક્રાઈમ બ્રાંચ ચોક્કસ આંક મેળવવા મથી રહી છે.
પાસવર્ડના આધારે તેના ખાતામાંથી પ્રોસેસિંગ ફીનાં નામે રૂપિયા 30-40 હજારની રકમ ઉપાડી લેતા
જેમાં પોતે ગ્રાહકના મોબાઈલ નંબરના આધારે લોગ ઈન થઈ ઓટીપી નંબર દ્વારા એપ્લીકેશન કરી લોન પાસ કરાવી આપતો હતો. લોનની રકમ જમા થયા બાદ ગ્રાહકના નેટબેન્કિંગ આઈડી તેમજ પાસવર્ડના આધારે તેના ખાતામાંથી પ્રોસેસિંગ ફીનાં નામે રૂપિયા 30-40 હજારની રકમ ઉપાડી લેતા હતા. આ ઉપરાંત જ્યારે ગ્રાહકોની ઓનલાઈન લોન થતી, ત્યારે પહેલેથી ફાયનાન્સ કંપનીઓ પાંચથી છ હજારની રકમ પ્રોસેસિંગ ફી તરીકે કાપી લેતી હતી. જેથી જો કોઈ ગ્રાહકે દોઢ લાખની લોન કરાવી હોય તો તેના હાથમાં માત્ર એકાદ લાખ રૂપિયા જ આવતા હતા. હાલમાં પોલીસે આ ચારેયની પૂછપરછ શરૂ કરી છે. જેમાં તેઓ કેટલા સમયથી આ પ્રકારે લોન કરતા હતા ? તેમજ તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ ? સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.