- રાજકોટમાં દરરોજે નોંધાય છે સરેરાશ 400 પોઝિટિવ કેસ
- મંગળવારે જ બપોર સુધીમાં 66 કોરોના દર્દીઓની અંતિમવિધિ કરાઈ
- તમામ મોતની તપાસ કર્યા બાદ ડેથ ઓડિટ કમિટી સત્તાવાર આંકડા જાહેર કરશે
રાજકોટ: સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખૂબ ઘાતકી સાબિત થઈ રહી છે. રાજ્યમાં રોજ સેંકડો દર્દીઓના મોત થઈ રહ્યા છે. એવામાં રાજકોટના વિવિધ સ્મશાનોમાં મંગળવારે બપોર સુધીમાં 66 કોરોના દર્દીઓની કોવિડ ગાઈડલાઈન અનુસાર અંતિમક્રિયા કરવામાં આવી છે. જોકે, આ દર્દીઓના મોત ખરેખર કોરોનાથી જ થયા છે કે કેમ? તે અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.
આ પણ વાંચો: લ્યો બોલો, ઓક્સિજનના બાટલા સમજી તસ્કરો નાઇટ્રોજનના બાટલા ઉઠાવી ગયા
સિવિલ હોસ્પિટલ બહાર લાગે છે એમ્બ્યુલન્સોની કતાર
રાજકોટમાં કોરોનાનો પ્રકોપ એટલી હદ સુધી વધ્યો છે કે, રોજ સરેરાશ 400 પોઝિટિવ કેસ નોંધાય છે. પોઝિટિવ કેસ વધવાની સાથે સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર માટે મર્યાદિત બેડ હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સોની લાંબી કતાર જોવા મળી રહી છે. કોરોનાની આ પરિસ્થિતિએ લોકો સહિત આરોગ્ય તંત્રને પણ લાચાર બનાવ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.