- રાજકોટની સમરસ હોસ્ટેલ વિદ્યાધામની સાથે સાથે આરોગ્ય ધામ
- સમરસમાં અત્યાર સુધીમાં ફંગસના 606 દર્દીઓ સારવાર માટે આવ્યા
- 606 દર્દીઓ પૈકી 285 દર્દીઓ સારવાર મેળવીને થયા સ્વસ્થ
રાજકોટ: સમરસ હોસ્ટેલ હોસ્ટેલની માત્ર વિદ્યા ધામ તરીકે નહીં પરંતુ આરોગ્યધામ તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોરોના સમયે સમરસ હોસ્ટેલ કોવિડ કેર અને ડેડીકેટેડ હેલ્થ સેન્ટરમાં અનેક દર્દીઓને સેવા સુશ્રુષા તેમજ સિવિલ ખાતે મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) ના દર્દીઓની સર્જરી બાદની પોસ્ટ સારવાર અર્થે સમરસ હોસ્ટેલ ખાતે દર્દીઓને ખસેડવામાં આવે છે. જ્યાં સારવાર માટે દાખલ થયેલા 606 દર્દીઓ પૈકી 285 દર્દીઓ સ્વસ્થ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ખાનગી હોસ્પિટલને બદલે સરકારીમાં લીધી સારવાર
સમરસ હોસ્ટેલ ખાતે મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) ની 28 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા 60 વર્ષીય રાજેન્દ્રભાઈ પાટડીયા ખાનગી હોસ્પિટલમાં સારવારને બદલે સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવવા બદલ તેમને ભાગ્યશાળી ગણાવતા કહે છે કે, મને એપ્રિલ માસમાં કોરોના થયા બાદ આંખમાં સતત દુખાવો રહેતો હતો. ચેકઅપ કરાવ્યા બાદ ખબર પડી કે મને પણ ફંગસની અસર થઈ છે. પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવવાના બદલે સિવિલ ખાતે સારવાર લેવા જણાવ્યું.
ફંગસની ખર્ચાળ સારવાર સામે સિવિલમાં સારી દેખભાળ
દર્દી રાજેન્દ્રભાઈને 19 મેના રોજ સિવિલમાં ભરતી કરાયા બાદ તુર્તજ સારવાર શરુ કરી દેવામાં આવી હતી. આશરે 10 દિવસ બાદ સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ મને વધારાની તમામ સારવાર સિવિલ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે મળી છે. તેમના પુત્ર યતિનભાઈ જણાવે છે કે, સમરસ હોસ્ટેલ અને સિવિલ ખાતે ડોક્ટર્સ તરફથી અમને સંપૂર્ણ સહકાર મળ્યો છે. ફંગસની ખર્ચાળ સારવાર સામે અમને સિવિલમાં સમયસરની ઉત્કૃષ્ઠ સારવાર આપવા બદલ તેમણે સમગ્ર આરોગ્ય વિભાગનો આભાર માન્યો છે.