- રાજકોટ જિલ્લામાં 435 સંવેદનશીલ અને 58 અતિસંવેદનશીલ મતદાન કેન્દ્ર
- રાજકોટ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ
- અલગ-અલગ કામ માટે અલગ-અલગ અધિકારીઓની પણ નિમણૂક
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને એક ગોંડલ નગરપાલિકાની પણ ચૂંટણીઓ યોજાશે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમજ કામ માટે અલગ-અલગ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. ત્યારે રાજકોટ મનપાની ચૂંટણી આગામી 21 તારીખે જ્યારે પંચાયતોની ચૂંટણી 28 તારીખે યોજાશે. જેને લઈને હાલ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
435 સંવેદનશીલ તેમજ 58 મતદાન મથકો અતિસંવેદનશીલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનની તારીખ જાહેર કરવામાં આવી છે. જેને લઈને રાજકોટ અધિક કલેક્ટર પરિમલ પંડ્યા દ્વારા મીડિયાને જણાવામાં આવ્યું હતું કે, તાજેતરમાં જ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અંતર્ગત મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમજ નોડલ ઓફિસર, ચૂંટણી અધિકારી, તેમજ ગ્રામ્ય પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં 435 સંવેદનશીલ તેમજ 58 મતદાન મથકો અતિસંવેદનશીલ મતદાન મથક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેની માહિતી રાજ્ય ચૂંટણીપંચને મોકલી આપવામાં આવશે.