રાજકોટઃ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સત્તત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દર્દીના મોત પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. રાજકોટમાં ગુરૂવારે 26 દર્દીના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 26 જેટલા દર્દીઓના મોત થતા આરોગ્ય તંત્ર પણ સ્તબ્ધ છે.
ગુરૂવારે મૃત્યુ પામેલા દર્દીઓમાં શહેરના 14 જ્યારે ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાઓના 6 દર્દીનો સમાવેશ થાય છે. રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે, તો અત્યાર સુધીમાં રાજકોટમાં કોરોનાના 4054 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે હજુ પણ 1343 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી રાજકોટમાં રોકાયા છે.