- નાળિયેરી સહિત બીજા પાકોમાં સફેદ માખીનો ઉપદ્રવ બની શકે છે ગંભીર ખતરો
- ખેડૂતોને સમય રહેતાં સફેદ માખીનો ઉપદ્રવ સામે કામ કરવાની કૃષિ વૈજ્ઞાનિકોએ આપી સૂચનાઓ
- સફેદ માખીનો ઉપદ્રવ આજે સૌરાષ્ટ્રમાં 20 કરતાં વધુ પાકોમાં જોવા મળી રહ્યો છે
જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં સફેદ માખીનો ઉપદ્રવ હવે દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં સફેદ માખી સર્વપ્રથમ અમેરિકાના ફ્લોરિડા અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળી હતી. જેના કારણે અમેરિકામાં ફળ પાકમાં ખૂબ મોટું નુકસાન થયું હતું.
વર્ષ 2016માં ભારતના તમિલનાડુ અને કેરળમાં નારિયેળીના પાકો સફેદ માખી જોવા મળી હતી
આ સફેદ માખી વર્ષ 2016માં ભારતના તમિલનાડુ અને કેરળમાં આવેલા નારિયેળીના પાકોમાં જોવા મળી હતી. વર્ષ 2019માં સફેદ માખીનો ઉપદ્રવ સૌરાષ્ટ્રમાં સોપ્રથમ વખત જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં નોંધવામાં આવ્યો હતો. જે તે સમયે સફેદ માખીનો ઉપદ્રવ માંગરોળ પંથકમાં આવેલા નારિયેળીના ખેતરોમાં જોવા મળ્યો હતો. જે આજે ખૂબ જ ગંભીર બનીને છેક ગીર સોમનાથ અને ઉના સુધીના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ લીલીનાઘેર પંથકમાં નારિયેળીમાં સફેદ માખીના રોગથી ખેડૂતો પરેશાન
સફેદ માખીનો ઉપદ્રવ નાળિયેરી, કેસર કેરી, ચીકુ, પપૈયા સહિત મગફળી, જુવારના પાકમાં વધુ જોવા મળે છે
સફેદ માખીનો ઉપદ્રવ નાળિયેરી સહિત સૌરાષ્ટ્રની શાન કેસર કેરી, ચીકુ, પપૈયા સહિત મગફળી, જુવાર જેવા તેલીબિયા અને ધાન્ય પાકોમાં પણ જોવા મળ્યો હતો. સફેદ માખીનો ઉપદ્રવ રીંગણીના પાકમાં પણ જોવા મળી રહ્યો છે. સમય રહેતા સફેદ માખીનું કોઈ નિયંત્રણ ખેડૂતો દ્વારા કરવામાં ન આવે તો સમગ્ર કૃષિ પાક નષ્ટ થઈ શકે છે.
નારિયેળીના પાકમાં સોપ્રથમ સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો
સોપ્રથમ નારિયેળીના પાકમાં જોવા મળેલો સફેદ માખીનો ઉપદ્રવ આજે સૌરાષ્ટ્રમાં 20 કરતાં વધુ પાકોમાં જોવા મળી રહ્યો છે, જે આગામી દિવસોમાં વધુ કેટલાક ભાગોમાં ફેલાઈ શકે છે. સફેદ માખીનો ઉપદ્રવ ફેલાયા બાદ તેના પર નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ છે માટે આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે ખેડૂતોએ સફેદમાંખીના ઉપદ્રવની શરૂઆત થતાની સાથે જ તેના નિયંત્રણ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. જો ખેડૂતો સફેદ માખીનો ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ગાફેલ રહેશે તો સફેદ માખીનો ઉપદ્રવ સમગ્ર કૃષિ પાકને નષ્ટ કરી શકે તેટલી હદે ગંભીર બની જાય છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોમાં વધી ચિંતા