- ગીરનું સાસણ સફારી પાર્ક સિંહ દર્શન માટે ફરી ખુલ્યો
- પ્રથમ દિવસે જ સિંહ દર્શનનો અવિસ્મરણીય અનુભવ કરતા પ્રવાસીઓ
- કોરોના સંક્રમણ ઘટતા પ્રવાસન ક્ષેત્ર થયું ધમધમતુ
જૂનાગઢ: વિશ્વપ્રસિદ્ધ સાસણ ગીર સફારી પાર્ક ફરી એક વખત વિશ્વના તમામ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. વહેલી સવારે સાસ સિંહ સદન ખાતેથી યાત્રિકોના પ્રથમ જથ્થાને વન વિભાગના અધિકારીઓએ વિધિવત રીતે સિંહ દર્શન માટે જંગલમાં જવા માટે અનુમતી આપી હતી. પાછલા ચાર મહિના કરતા વધુ સમયથી કોરોના સંક્રમણ અને ચોમાસુ તેમજ સિંહોના સંવવન કાળને લઇને સાસણ ગીર સફારી પાર્ક બંધ રાખવામાં આવ્યું હતું. જે આજે વિધિવત રીતે ખુલ્લુ મુકવામાં આવતા પ્રવાસીઓનો સિંહ દર્શનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રથમ દિવસની પ્રથમ સફરમાં પ્રવાસીઓને થયા સિંહ દર્શન
આજે શનિવારે સાસણ ગીર સફારી પાર્કમાં પ્રથમ પ્રવાસીનો પ્રવેશ થયો હતો. આ પ્રવાસીએ આજે પોતાની સાસણ સફારીની પ્રથમ મુલાકાત દરમિયાન પ્રથમ વખત સિંહના નજર સમક્ષ દર્શન કરીને જીવનનો અવિસ્મરણીય લ્હાવો મેળવ્યો હતો. એશિયામાં એક માત્ર ગુજરાતમાં અને તે પણ જૂનાગઢમાં જંગલના રાજા સિંહ જોવા મળે છે. જેને જોવા માટે દેશ- વિદેશના પ્રવાસીઓ સાસણ તરફ આવતા હોય છે. આજે પ્રથમ દિવસની સફારી પૂર્ણ કરીને સિંહ દર્શનનો લાહ્વો મેળવીને પરત આવેલા પ્રવાસીઓએ પોતાનો સફારીનો અનુભવ Etv Bharat સમક્ષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, જીવનની ન ભૂલી શકાય તેવી ક્ષણો સાસણ સફારીમાં જોવા મળી. આ પ્રકારનો અનુભવ જીવનમાં પ્રત્યેક વ્યક્તિએ કરવો જોઈએ તેવું પ્રવાસીઓ સ્પષ્ટ માની રહ્યા હતા.
સાસણ ગીર સફારીમાં શિકાર કરતા સિંહને જોવો તે પણ આહ્લાદક અનુભવ
આજે સફારી પાર્કમાં પ્રથમ વખત સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓએ સિંહણ દ્વારા કરવામાં આવેલા શિકારને નજર સમક્ષ જોયો હતો. આ પ્રકારનો અનુભવ જંગલની દુનિયામાં ખૂબ જ રોમાન્ચ ઉપજાવે તેવો છે, ત્યારે પ્રથમ દિવસે જ સાસણ સફારીમાં આ પ્રકારનો અનુભવ કરીને બહાર આવેલા પ્રવાસીઓ તેમના અનુભવને જીવનના એક સપના સમાન ગણાવીને આજનો દિવસ તેમના જીવનનો એક ન ભૂલી શકાય તેવો દિવસ છે. તેના માટે તેમણે સાસણ અને ગીરના સિંહોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.