ઉપરકોટ કિલ્લો જૂનાગઢની એક વિશેષ ઓળખ બની ગયો છે. જૂનાગઢની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઉપરકોટની મુલાકાત લેવાનું ચુકતા નથી. પરંતુએ જ ઉપરકોટમાં આજથી 800 વર્ષ પહેલા બનાવવામાં આવેલો રાણકદેવીનો મહેલ સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો છે. જેને લઇ પ્રવીસીઓ પણ હવે સરકાર અને તંત્રને આ સ્થાપત્ય બચાવવાની માગ કરી રહ્યાં છે.
આ કિલ્લો માત્ર જૂનાગઢ નહીં પરંતુ સમગ્ર ભારતના રાજા રજવાડાનો ઈતિહાસ સમેટી અડીખમ ઉભો છે. સમગ્ર ભારતમાંથી લોકો જૂનાગઢના ઐતિહાસિક સાહિત્ય નિહાળવા માટે આવતા નજરે ચડે છે. એવામાં તંત્રની બેદરકારીના કારણે આ મહેલની હાલત અતિ દયજનક જોવા મળે છે. જે જૂનાગઢની સાથે સાથે સમગ્ર ગુજરાતને શર્મશાર કરે છે.
રા ખેંગારે પત્ની રાણકદેવીના રહેવા માટે કિલ્લામાં તેમના નામ પરથી જ મહેલ બનાવ્યો હતો. જેમાં તેમનો પરિવાર પણ સાથે રહેતો હતો. આજે 800 વર્ષ સમય વીતવાની સાથે આ મહેલ હવે જીર્ણતા અનુભવી રહ્યો છે. સમયની માર સામે ઝઝૂમીને 800 વર્ષ સુધી તેનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયેલો રાણકદેવીનો મહેલ હવે સરકારી ઉદાસીનતા સામે જાણે કે નતમસ્તક હોય તે રીતે અંતિમ જીર્ણતા તરફ આગળ વધી રહ્યો છે.
મહેલ તેની ભવ્યતા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે, એવું માનીને પ્રવાસી મુલાકાત લેવા માટે ઉપરકોટ આવતા હોય છે. પરંતુ જ્યારે પ્રવાસી મહેલની હાલત જૂએ ત્યારે એવું લાગે કે, મહેલ પત્તાની માફક ખખડીને અંધારાની ગર્તમાં ધકેલાઈ રહ્યો છે.