અત્યારના સમયમાં તહેવારોની સાથે વેકેશનનો પણ સુમેળ જોવા મળી રહ્યો છે. જેને લઇને જૂનાગઢમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહીં છે. ઐતિહાસિક અને સ્થાપત્યના નમૂનાઓનો સંગ્રહ કરીને જૂનાગઢ શહેર આજે પણ અડીખમ ઉભૂં છે. ઉપરકોટમાં ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના સ્થળો જોવા મળે છે.
ઉપરકોટનો કિલ્લો પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં યુદ્ધમાં વપરાયેલી 'નિલમ તોપ' પ્રવાસીઓનું સ્વાગત કરતી હોય તે રીતે જોવા મળે છે. ઉપરાંત કિલ્લામાં રાણકદેવીનો મહેલ, બૌદ્ધ ગુફાઓ, અડી કડી વાવ અને નવઘણ કૂવો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
સ્થાપત્યના બેનમુન અને અજોડ કહી શકાય તેવા સ્મારકો નિહાળવા માટે પ્રવાસીઓ દુર-દુરથી અહીંયા આવતા હોય છે. પરંતુ, લોકો દ્વારા ફેલાવાયેલી ગંદકીના કારણે ઘણા પ્રવાસીઓએ નારાજ થતા જોવા મળે છે.