જૂનાગઢ: 22મી માર્ચથી કોરોના સંક્રમણને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હાલ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે. છેલ્લા 6થી 7 મહિનાથી જૂનાગઢ શહેરમાં આવેલા મોટાભાગના પર્યટન સ્થળો સૂમસામ હાલતમાં જોવા મળી રહ્યા છે, અને અહીં ગાઇડની સેવા આપતા તેમજ ખાણી-પીણીની દુકાનો વડે ગુજરાન ચલાવતા નાના વેપારીઓ વ્યવસ્થિત આવકના અભાવે આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે.
કોરોનાના કારણે સૂમસામ બન્યા જૂનાગઢના પર્યટન સ્થળો
અનલોકમાં મંદિરો તેમજ યાત્રાધામ તો ખૂલ્યા પરંતુ લોકો હજુ પણ કોરોના સંક્રમણની બીકને લીધે પ્રવાસ કરવો ટાળી રહ્યા છે. ઉપરકોટ, ભવનાથ સહિત જે સ્થળોએ લોકોની પારાવાર ભીડ જોવા મળતી હતી, તે જગ્યાઓ સૂમસામ બનતા ધંધાર્થીઓમાં રોજગારીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.
છૂટક મજૂરી અને અન્ય ધંધાઓ તરફ વળ્યા લોકો
ગિરનાર પર્યટન ક્ષેત્રમાં સમગ્ર દેશ અને દુનિયામાંથી દર વર્ષે અંદાજિત 20થી લઇને 30 લાખ પર્યટકો આવતા હોય છે. સામાન્ય પરિસ્થિતીમાં નાના-મોટા તમામ ધંધાર્થીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે પ્રકારે કમાણી મેળવતા હતા. પરંતુ હવે વધતા જતા કોરોના સંક્રમણને જોતા તેમની ઘીરજ ખૂટી છે અને તેઓ છૂટક મજૂરી અને અન્ય ધંધાઓ તરફ વળી જીવનનિર્વાહનો પર્યાય શોધી રહ્યા છે.
સરકાર પાસે સહાયની માગ
રાજા-રજવાડાઓનો ભવ્ય ઇતિહાસ ધરાવતા જૂનાગઢ અને તેની આજુબાજુના અનેક પર્યટન સ્થળોના ધંધાર્થીઓ હાલ સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે, જેથી અન્ય ઉદ્યોગોની જેમ પ્રવાસન ઉદ્યોગ પણ મંદીની મારમાંથી બેઠો થઇ શકે.
જૂનાગઢથી મનીષ ડોડીયાનો વિશેષ અહેવાલ...