જૂનાગઢઃ આગામી દિવસોમાં જૂનાગઢમાં ઓવરબ્રિજ જોવા મળે તેવા ઉજ્વળ સંજોગોનું નિર્માણ થઇ રહ્યું છે, જૂનાગઢ મનપાની સ્થાઈ સમિતિની બેઠકમાં ઓવરબ્રિજ બનાવવાને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ઓવરબ્રિજને લઈને જૂનાગઢ મનપા પશ્ચિમ રેલવે અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે ઓવરબ્રિજના નિર્માણ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવામાં આવ્યું છે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 110 કરોડ રૂપિયા જેટલી રકમની ફાળવણી પણ આગામી દિવસોમાં કરવામાં આવશે. ત્યારે જૂનાગઢ મહાનગરને તેના ઇતિહાસનો પ્રથમ ઓવરબ્રિજ મળશે તેવી આશાઓ પ્રબળ બનતી જોવા મળી રહી છે.

આઝાદી કાળથી જૂનાગઢનો જોષીપુરા અને ગીરીરાજ મેઈન રોડ ટ્રાફિકની દ્રષ્ટિએ ખૂબ જ અગવડતા ઉભી કરી રહ્યા હતા. આ બે રેલવે ક્રોસિંગ પર 40 ટકા કરતા વધુ જૂનાગઢની વસ્તી અવર-જવર કરે છે. આવી પરિસ્થિતિમાં દરરોજ 20 કરતા વધુ વખત રેલવે ક્રોસિંગ બંધ થતું હોય છે.

આવી પરિસ્થિતીમાં ટ્રાફિક જામની અકળાવનારી સમસ્યા દિવસે અને દિવસે વકરતી જોવા મળતી હતી. જેને ધ્યાને રાખીને જૂનાગઢ મનપાએ ઓવરબ્રિજ બનાવવા માટે પાછલા કેટલાક વર્ષોથી પ્રયત્નશીલ હતી. પરંતુ આ વર્ષે રાજ્ય સરકાર રેલવે વિભાગ અને જૂનાગઢ મનપા સંયુક્ત રીતે વિમર્શ કરીને બંને ફાટક પર ઓવરબ્રિજ બનાવવાને લઈને સહમત બની રહી છે.

ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢ અને તેના ઇતિહાસનો પ્રથમ ઓવરબ્રિજ મળવાના સંજોગો ઉજળા થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં જૂનાગઢના લોકોને ફાટક બંધ થવાના સમયે ટ્રાફિક જામની વિકટ સ્થિતિમાંથી મુક્તિ મળે તેવું પણ લાગી રહ્યું છે.