- જૂનાગઢમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ઓક્સિજનની અછતથી દર્દીઓના મોતના આક્ષેપને ફગાવ્યા
- સૌરાષ્ટ્રમાં યોજાતા આવતા પારંપરિક લોકમેળાનું આયોજન પણ વર્તમાન સમયમાં મુશ્કેલ
- આગામી દિવસોમાં રાજ્ય શિક્ષણ વિભાગ પ્રાથમિક શિક્ષણને લઈને બની રહ્યો છે હકારાત્મક
જૂનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજર રહેલા મુખ્યપ્રધાન રૂપાણીએ મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે પરંતુ કોરોના હજુ આપણી વચ્ચે છે. આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પારંપરિક લોકમેળાનું આયોજન ખુબ જ મુશ્કેલ બની રહેશે. વધુમાં તેમણે વિપક્ષના ઓક્સિજનની અછતથી દર્દીઓના મોત થતા હોવાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ઓક્સિજનની અછતથી એક પણ દર્દીનું મોત હજુ સુધી થયું નથી.
પ્રાથમિક શિક્ષણને લઈને શિક્ષણ વિભાગ કટિબદ્ધ
જૂનાગઢ ખાતે આવેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રાથમિક શિક્ષણને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ 15 તારીખથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે રાજ્યનું શિક્ષણ વિભાગ પ્રાથમિક શિક્ષણને લઈને પણ ખૂબ જ ગંભીરતાથી વિચારી રહ્યું છે અને આગામી દિવસોમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ પણ પૂર્વવત બને તે માટે સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યું છે. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ICMRની ગાઈડલાઈન મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ તમામ પાસાઓનો ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યું છે અને પ્રાથમિક શાળાનું શિક્ષણ ફરી શરૂ કરવાને લઈને કટિબદ્ધ છે.