- આજથી પવિત્ર શ્રાવણ માસની થઈ શરૂઆત, ભોળાનાથના ભક્તોએ કર્યા મહાદેવના દર્શન
- સાકાર રૂપે માતા પાર્વતી સાથે બિરાજતા ભોળાનાથ ભક્તોના કષ્ટો દૂર કરતા હોવાની છે ધાર્મિક માન્યતા
- ભગવાન સ્વામિનારાયણ દ્વારા સાકાર રૂપે પાર્વતીજી સાથે શિવનું સિદ્ધેશ્વર મહાદેવના રૂપમાં કર્યું હતું સ્થાપન
જૂનાગઢ: આજથી શિવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ભોળાનાથ માતા પાર્વતી સાથે સાકાર રૂપમાં દર્શન આપી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માતા પાર્વતીની સાથે સાકાર રુપમાં શિવના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરતા હોય છે. જૂનાગઢમાં શિવ અને પાર્વતીની સાકાર મૂર્તિ રૂપે સ્થાપના ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વયમ કરવામાં આવી હોવાની ધાર્મિક માન્યતા છે. મૂર્તિ સ્થાપન વખતે ભગવાન સ્વામિનારાયણ હરકોઈ ભક્તોના સંકલ્પ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી સાકાર રુપે પૂર્ણ કરે તેવી પૂજા કરીને શિવ અને પાર્વતીની સાકાર મૂર્તિનું સ્થાપન કર્યું હતું, ત્યાંરથી મહાદેવ સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ભોળાનાથને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે પૂજવામાં આવી રહ્યા છે. જેમાં શિવભક્તો ખૂબ જ આસ્થા ધરાવે છે અને સાકાર રૂપે ભોળાનાથ દર્શન આપીને તેમના ભક્તોની પીડા દૂર કરી રહ્યા છે.
આ પણ વાંચો- ભાવનગરમાં મહા શિવરાત્રીએ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તોની ભીડ ઉમટી
સાકર રૂપે દર્શન આપતા સિદ્ધેશ્વર મહાદેવ ભક્તોમાં બની રહ્યા છે આસ્થાનું કેન્દ્ર
18મી સદીમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા ભોળાનાથની સાકાર રૂપે પૂજા કરવામાં આવી હતી. જૂનાગઢમાં આવેલું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર ભગવાન ભોળાનાથની સાકાર રૂપે પૂજા અને દર્શન આપતું વિશ્વનું એકમાત્ર મંદિર છે. ભગવાન હિમાલય પર્વત પરથી ધ્યાનાવસ્થામાંથી જ્યારે પ્રફુલચીત્તે બહાર આવે છે, તે પ્રકારના દર્શન સાકાર રૂપે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ભોળાનાથના થઈ રહ્યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સિદ્ધેશ્વર મહાદેવ પર અભિષેક, અન્નકોટ, રુદ્ર પાઠ તેમજ દરરોજ અગિયાર હજાર બિલ્વપત્રના અભિષેકથી શ્રાવણ માસની ધાર્મિક ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. શિવને કલ્યાણકારી દેવ પણ માનવામાં આવે છે માટે પ્રત્યેક ભક્તોને શારીરિક આર્થિક અને માનસિક પીડામાંથી મુક્તિ અપાવતા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત શિવભક્તો કરી રહ્યા છે.
સંસારીક જીવનની આઘી, વ્યાધિ અને ઉપાધિમાંથી મહાદેવ મુક્ત કરે છે તેવી ધાર્મિક માન્યતા
સિદ્ધેશ્વર મહાદેવ શિવભક્તોની તમામ માન્યતાઓ અને સંકલ્પોને પૂર્ણ કરતા હોવાને કારણે પણ ભાવિ ભક્તોમાં સિદ્ધેશ્વર મહાદેવ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. સાંસારિક જીવનમાં આવેલા તમામ કષ્ટો અને પીડાને સાકાર રુપે બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવ નિરાકરણ કરતા હોવાની ધાર્મિક માન્યતા પણ જોવા મળે છે. ભગવાન સિદ્ધેશ્વર મહાદેવનું સંકલ્પ કરવાથી સંસારિક જીવનમાં સંતાન પ્રાપ્તિ થતી હોવાની પણ અનેક માન્યતાઓ મહાદેવના મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસ અને એ પણ સોમવારના દિવસે શિવ ભક્તો ભગવાન ભોળાનાથના સિદ્ધેશ્વર મહાદેવના રૂપમાં સાકાર રૂપે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.