જૂનાગઢ: આજથી પંદર દિવસ પહેલા જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા ઘેડ પંથકમાં અતિભારે વરસાદ પડ્યો હતો. તેમજ ભાદર, ઓજત, ઉબેણ, સોનરખ જેવી નદીઓમાં જળાશયોમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. એક તરફ અતિ ભારે પડી રહેલો વરસાદ તો બીજી તરફ નદીઓમાં ઘૂઘવાતા મહાસાગર જેવા દ્રશ્યોએ ઘેડ વિસ્તારના ખેતરોને જળબંબાકાર બનાવી દીધા હતા. જેને કારણે ખેડૂતોનો મોટાભાગનો ચોમાસુ પાક પુર અને અતિ ભારે વરસાદને કારણે નષ્ટ થયો છે. જેને લઇને રાજ્ય સરકારે સર્વે કરવાની ખેડૂતોને ખાતરી આપી હતી.
જૂનાગઢ જિલ્લામાં પાછલા બે દિવસોથી આવેલા ઘેડ વિસ્તારમાં રાજ્યના કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે કરવા માટે કમર કસી લીધી છે. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીની આગેવાનીમાં 50 કરતાં વધુ ટીમો પુર અસરગ્રસ્ત અને અતિ ભારે વરસાદ પડવાના વિસ્તારોમાં ખેતરો ખૂંદી રહ્યા છે. તેમજ પ્રત્યેક ખેતરમાં જઈને નુકસાનીનો જાત ચિતાર મેળવીને ખેડૂતોની આપવીતી પણ સાંભળી રહ્યા છે. ઘેડ વિસ્તારમાં ઓજત, ઉબેણ અને સોનરખ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ખેતરોમાં ખૂબ ભારે નુકસાન થયું છે. ત્યારે કૃષિ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ટીમો સર્વે રિપોર્ટ રાજ્ય સરકારને રજુ કરશે. તે મુજબ ખેડૂતોને નુકસાનીનો સર્વે આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.