- જૂનાગઢમાં યોજાયો રાજ્યકક્ષાનો દિવ્યાંગ યુવક અને યુવતીનો જીવનસાથી પસંદગી મેળો
- સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કરાયું આયોજન
- રાજ્યમાંથી 100 જેટલા યુવક અને યુવતીઓએ લીધો ભાગ
જૂનાગઢઃ દિવ્યાંગો માટે રાજ્ય કક્ષાના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન જૂનાગઢમાં કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી 100 જેટલા યુવક અને યુવતીઓ પસંદગી મેળામાં હાજર રહ્યા હતા. જૂનાગઢના આંગણે સત્યમ સેવા યુવક મંડળ વર્ષોથી સામાજીક કાર્યો અને ખાસ કરીને અંધ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને મદદ મળી રહે અને તેનો સામાજિક અને આર્થિક રીતે ઉત્થાન થાય તેવા કાર્યો હાથ પર લઈ રહી છે. જેમાં આજે જૂનાગઢમાં રાજ્ય કક્ષાના દિવ્યાંગ યુવક અને યુવતીનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો. જેમાં અમદાવાદ, સુરત સહિત સમગ્ર રાજ્યમાંથી યુવક અને યુવતીઓએ પસંદગી મેળામાં ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ 400 દિવ્યાંગ બાળકોએ વિવિધ ડિઝાઈનવાળા દિવા બનાવ્યા
આ જ પ્રકારનું આયોજન અન્ય જિલ્લાઓમાં પણ થાય તેવી દિવ્યાંગોની માગ
જૂનાગઢમાં યોજવામાં આવેલા દિવ્યાંગો માટેના જીવનસાથી પસંદગી મેળામાં રાજ્યભરમાંથી ઉપસ્થિત રહેલા યુવક અને યુવતીઓએ આયોજનના વખાણ કર્યા હતા અને સત્યમ સેવા યુવક મંડળ કે જે દિવ્યાંગો માટે જીવનસાથી પસંદ કરવાની જે તક પૂરી પાડી છે તેને લઈને ભાવવિભોર થતાં જોવા મળી રહ્યા હતા. ETV BHARAT સમક્ષ આવા દિવ્યાંગ યુવક અને યુવતીઓએ પોતાનો મત પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, આ જે આયોજન જુનાગઢના આંગણે થયું છે તેવા જ પ્રકારનું આયોજન રાજ્યના અન્ય જિલ્લાઓમાં કરવામાં આવે તો દિવ્યાંગ યુવક અને યુવતીઓને જીવન સાથી પસંદગી કરવામાં વિશાળ તકો મળી રહેશે. તેઓ પણ પોતાના જીવન સંસારનો પ્રારંભ કરી શકે તેવું આયોજન આગામી દિવસોમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ થાય તેવી લાગણી સભર વિનંતી કરી હતી.