- ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા વાઘેશ્વરીનું થાય છે વિશેષ પૂજન
- માઇ ભકતો વાઘેશ્વરી માતામા ધરાવે છે અનન્ય શ્રદ્ધા
- આ વર્ષે કોરોના સંક્રમણને કારણે તમામ પૂજન અને વિધિ કરાઇ રદ્દ
જૂનાગઢઃ ગિરિવર ગિરનારની ગોદમાં આદી- અનાદી કાળથી સ્વયંભૂ મા વાઘેશ્વરી બિરાજી રહ્યા છે. મા વાઘેશ્વરી પ્રત્યેક માય ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં બિરાજતા મા વાઘેશ્વરી લોકવાયકા મુજબ સ્વયંભૂ હોવાનું પણ જણાય રહ્યું છે. જેને લઈને માતા વાઘેશ્વરીના દર્શન કરવા માટે પણ લોકો વર્ષભર તલપાપડ બનતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે ચૈત્રી નવરાત્રિ દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો હોમ હવન તેમજ ધાર્મિક વિધિને રદ કરવામાં આવી છે અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીની આરતી કર્યા બાદ સાદાઈથી ધાર્મિક પૂજન વિધિ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ચૈત્રી નવરાત્રિ 2021ઃ જાણો કેવી રીતે કરશો મા અંબાની આરાધના
ચૈત્રી નવરાત્રિમાં શક્તિપીઠોના દર્શન અને પૂજાનું છે ખૂબ જ ધાર્મિક મહત્વ
હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિને લઈને ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાજીની વિશેષ પૂજા અને વિધિ કરવામાં આવતી હોય છે. હિન્દુ ધર્મમાં આસો, ચૈત્રી, અષાઢ અને મહા નવરાત્રિ એમ ચાર નવરાત્રિઓ આવે છે. પરંતુ હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિને ખૂબ જ ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે એટલા માટે ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી શક્તિપીઠના દર્શન પૂજન અને ધાર્મિક આયોજનને હિન્દુ ધર્મગ્રંથોમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. માટે ચૈત્રી નવરાત્રિના સમયમાં માઈ ભક્તો શક્તિ.પીઠોમાં પોતાની આસ્થા અને શક્તિ મુજબ માતાના દર્શન તેમજ ધાર્મિક વિધિ કરતા હોય છે.
આ પણ વાંચોઃ બેચરાજી મંદિરમાં સતત બીજા વર્ષે સાદગીપૂર્ણ રીતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી
વાઘેશ્વરી માતાના જીર્ણોદ્ધાર માટે નવાબે પણ આપ્યું છે યોગદાન
ભવનાથમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરના જિર્ણોદ્ધાર માટે જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા તેમના સચિવ મહંમદ શેખ અને જૂનાગઢના દીવાન ત્રિભુવનરાય રાણાએ પણ તેમનું આર્થિક યોગદાન આપ્યું છે. 25 ઓક્ટોબર 1922માં મહોબતખાન ત્રીજાએ મંદિરના જિર્ણોદ્ધાર માટે 500 રૂપિયાનું અનુદાન આપ્યું હતું. ત્યારે તેમના સચિવ મહંમદ શેખે રૂપિયા 100નું અનુદાન આપ્યું હતું. ત્યારબાદ ઓક્ટોબર મહિનાની 30 તારીખે જૂનાગઢના દીવાન ત્રિભુવનરાય રાણાએ પણ મંદિરના જીર્ણોદ્ધાર માટે પોતાનું આર્થિક યોગદાન આપ્યું હતું. જૂનાગઢમાં બિરાજી રહેલા જગદંબા મા વાઘેશ્વરી સોની મહાજન પરિવારના કુળદેવી તરીકે પણ આદી-અનાદી કાળથી જૂનાગઢમાં પુજાઇ રહ્યા છે.