- સામાન્ય લોકોના પ્રવેશ બંધીની વચ્ચે મહાશિવરાત્રી મેળો તેના અંતિમ પડાવ તરફ
- કોરોના સંક્રમણને કારણે સરકારે તમામ લોકો માટે મેળામાં પ્રવેશ બંધી ફરમાવી
- શિવભક્તોની ગેરહાજરી વચ્ચે ભવનાથ તળેટીમાં સાધુ સંન્યાસીઓની વિશેષ ચહલ-પહલ
જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે આ વર્ષે ભવનાથમાં આયોજિત મહા શિવરાત્રી મેળામાં સામાન્ય લોકો અને શિવભક્તો માટે સરકારે પ્રવેશ બંધી ફરમાવી છે. જેને લઈને મેળામાં પ્રવાસીઓની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે.

સામાન્ય લોકોને મેળામાં આવવા માટે સરકારે મંજૂરી આપી ન હતી
જે લોકો મેળામાં જોવા મળી રહ્યા છે તે સન્યાસીઓના સેવકો છે અને તેને સરકારે મેળામાં પ્રવેશ કરવા માટેની મંજૂરી આપી છે. આ સિવાય અન્ય એક પણ સામાન્ય પ્રવાસી કે શિવભક્ત મેળામાં જોવા મળતો નથી. ત્યારે સાધુ સંન્યાસીઓને ભવનાથ તળેટીમાં વિશેષ હાજરી અને ચહલ-પહલ જોવા મળી રહી છે આવા દ્રશ્યો વર્ષો બાદ ભવનાથની તળેટીમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ આજે મહાશિવરાત્રી, જાણો પાવન પર્વનું માહાત્મય અને પૂજા-વિધીની પધ્ધતિ
આદિ-અનાદિ કાળથી આ મેળો સાધુ સંન્યાસીઓ મારે આયોજિત થતો આવતો હતો
ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો આદિ અનાદિકાળથી સાધુ અને સન્યાસીઓ માટે આયોજિત થતો આવતો હતો, પરંતુ સમય બદલવાની સાથે મેળામાં મોટી સંખ્યામાં શિવભક્તો અને દેશ-વિદેશના પ્રવાસીઓ પણ હાજર રહેતા હતા.
કોરોના વાઈરસના કારણે પ્રવાસીઓ અને શિવભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ
આ વર્ષે કોરોના સંક્રમણને કારણે મેળામાં તમામ મુલાકાતીઓ, પ્રવાસીઓ અને શિવભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે ભવનાથની તળેટી સન્યાસીઓથી ભરપૂર જોવા મળી રહી છે. વર્ષો પછી ભવનાથ તળેટીમાં સાધુ સંતોની વિશેષ હાજરી વચ્ચે મહાશિવરાત્રીનો મેળા પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે.