જૂનાગઢઃ કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારીની વચ્ચે આજે શીતળા સાતમનો તહેવાર શ્રદ્ધા અને ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવ્યો છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ શીતળા સાતમનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. આજના દિવસે મહિલાઓ ઉપવાસ કરીને માતાજીની પૂજા કરતી હોય છે. એક દિવસ અગાઉ ઘરમાં બનાવેલો પ્રસાદ આજે માતાજીને અર્પણ કરીને મહિલાઓ ઉપવાસ કરીને તેમના પરિવાર પર શીતળા માતાની કૃપા સદેવ બની રહે તે માટે આજના તહેવારને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરતી હોય છે.
એવું કહેવાય છે કે, વર્તમાન સમયમાં કોરોના વાઇરસે જે મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે તે જ પ્રકારે વર્ષો પહેલા શિતળા નામના રોગે પણ સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે ભારતમાં હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ શીતળા માતાનું પૂજન કરવામાં આવતું હતું અને તેને કારણે જ શિતળા નામના રોગથી કેટલાય બાળકો સ્વસ્થ થયા છે. જેને કારણે શીતળા સાતમના દિવસે મહિલાઓ દ્વારા માતાજીનું વિશેષ પૂજન કરવામાં આવતું હતું જે આજ દિન સુધી પણ થતું આવતું જોવા મળી રહ્યું છે. હાલ શીતળાનો રોગ સમગ્ર વિશ્વમાંથી નાબુદ થઈ ગયો છે તેમ છતાં આપણી હિન્દુ ધાર્મિક માન્યતા પરંપરા અને આસ્થા સાથે આજે પણ શીતળા સાતમના દિવસે મહિલાઓ માતાજીનું પૂજન કરીને તેમના પરિવારની રક્ષા થાય તે માટે શીતળા સાતમનો તહેવાર ઉજવતી હોય છે.