- હિંદૂ ધર્મમાં ભારતીય વેલેન્ટાઈન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે
- આ દિવસે ખાસ કરીને પીળા રંગના પુષ્પો ખુબ પ્રમાણમાં ખીલે છે
- આ દિવસે નવ જન્મેલા બાળકોને પ્રથમ વખત ખોરાક આપવાની પ્રથા છે
જૂનાગઢઃ વસંત પંચમીના પાવન પર્વને હિન્દૂ ધર્મમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે આજના દિવસે મા સરસ્વતીના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. મા સરસ્વતીની પીળા રંગના પુષ્પો અને વાઘા ચડાવીને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે . આ દિવસે નવા જન્મેલા બાળકોને અન્ન અને વિદ્યા સંસ્કાર આપવામાં આવતા હોય છે. પ્રાચીન સમયમાં આ દિવસે નવ જન્મેલા બાળકોને પ્રથમ વખત ખોરાક આપવાની પ્રથા છે તો આ દિવસે બાળકને વિદ્યા અભ્યાશ પણ આપવામાં આવે છે. જેના કારણે બાળક તંદુરસ્ત અને મેઘાવી બને છે. આપણી હિન્દૂ સંસ્કૃતિમાં દરેક તહેવાર અને પ્રંસગોમાં કરવામાં આવતા યજ્ઞમાં અને તેની ઉજવણીમાં વિજ્ઞાન સામેલ છે. આજથી ગરમીની ઋતુની પણ ધીમા પગલે શરૂઆત થતી હોય છે.
કામદેવની પણ પૂજા કરવામાં આવે છે
આ દિવસે કામદેવની પણ પૂજા કરવામાં આવતી હોય છે તેવો ઉલ્લેખ આપણા શાસ્ત્રમાં જોવા મળે છે. પ્રાચીન સમયમાં જોવા મળતી માન્યતા પ્રમાણે આજથી નવ યૌવના તેના પ્રખર તેજ સાથે જોવા મળતી હોય છે જેને લઈને વસંત પંચમીને આપણા દેશનો વેલેન્ટાઈન ડે પણ માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને પીળા રંગના પુષ્પો ખુબ પ્રમાણમાં ખીલે છે અને સમગ્ર ધરાને પીળા રંગનું આંલિગન આપતી હોય તેવો અહેસાસ થાય છે. વિખુટા પડેલા સૌ કોઈના મિલનને પણ શુભ માનવામાં આવે છે. ભાઈ-બહેન, પિતા-પુત્ર, પતિ-પત્ની અને મિત્રોના મિલન જો આજના દિવસે થાય તો તેના સમગ્ર જીવન કાળ દરમિયાન તેઓ ક્યારેય વિખુટા પડે નહિ તેવી પણ એક માન્યાતા છે. વિચારોની સાથે પૃથ્વીમાં રહેલી તમામ કળાઓનું પૂજન કરવાનું પણ હિંદુ શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે.