જૂનાગઢઃ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં માર્ગોના સમારકામ અને તેના નવીનીકરણ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં અંદાજિત 22 કરોડ કરતા વધુના કામોનો આજે મોટી હવેલીના બાવાશ્રી પિયુષ ચંદ્રજી, જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં કામને શુભ શરૂઆત કરવામાં આવ્યો છે. શરૂ કરાયેલા કામની તમામ વિગતો કોર્પોરેશનના અધિકારીઓ અને કામ કરતી એજન્સીના નામ અને સરનામા સાથે જાહેર બેનર લગાવવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે, જે ખૂબ જ આવકારદાયક પણ માનવામાં આવી રહ્યો છે.
કામની સાઈડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓના વિગતો તેમજ કામની અંદાજીત રકમ કામ કેટલા સમયમાં પૂર્ણ થશે. કામ કરનાર એજન્સી અને તેના કોન્ટ્રાક્ટરનું નામ સ્પષ્ટ રીતે લોકો જોઈ શકે તે પ્રકારે લગાવવાનો પ્રથમ વખત નિર્ણય કરવામાં આવ્યો છે. જેની પાછળનું કારણ જણાવતા કોર્પોરેશનના મેયરે જણાવ્યું કે, જૂનાગઢના સહિત કોઈપણ વ્યક્તિ કામ ચાલુ હોય તે દરમિયાન ત્યાંથી પસાર થાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કામમાં માલુમ પડે તો બેનરમાં દર્શાવેલા કોર્પોરેશનના અધિકારીઓનો તાત્કાલિક સંપર્ક કરી શકે છે. જેને લઇને કોર્પોરેશનના અધિકારીઓ તુરંત કામની સાઇટ પર જઇને ચકાસણી કરશે અને કોઈપણ પ્રકારની ગેરરીતી થશે તો તેમને અટકાવીને તેમના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની કામગીરી હાથ ધરશે.
મનપાના આ નિર્ણયને ખૂબ જ આવકારદાયક માનવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં જાહેર કામોમાં વધુ પારદર્શિતા વધશે અને પ્રજાના ટેક્સના પૈસાનો સદુપયોગ થતો જોવા મળશે.