- એક અઠવાડિયા દરમિયાન વરસાદના આગમનની કરી આગાહી
- આ વર્ષે ખંડ વૃષ્ટિવાળુ ચોમાસુ હોવાની કરવામાં આવી આગાહી
- વનસ્પતિઓના કુદરતી સંકેતો દ્વારા પણ કરાય છે વરસાદની આગાહી
જૂનાગઢ : શહેરના વર્ષા વિજ્ઞાન આગાહીકારોએ વનસ્પતિઓ દ્વારા પ્રાપ્ત થતા કુદરતી સંકેતોને આધારે આ વર્ષે ચોમાસાના વરસાદની આગાહી કરી છે. વર્ષોથી વર્ષા વિજ્ઞાન આગાહી સંસ્થા સાથે જોડાયેલા જૂનાગઢના મોહનભાઈ દલસાણીયા દર વર્ષે આ પ્રકારની આગાહીઓ કરતા હોય છે. તેમણે આવતી કાલે એટલે કે સોમવારથી એક અઠવાડિયા સુધી સારો એવો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
વર્ષોથી વનસ્પતિના સંકેતોને આધારે વરસાદની આગાહી કરવામાં આવે છે
સૌરાષ્ટ્રમાં વર્ષોથી વનસ્પતિ આધારિત મળતા કુદરતી સંકેતોના આધારે વર્ષા વિજ્ઞાન મંડળના સદસ્યો દ્વારા વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવે છે. જેમાં કેરડા બોરડીમાં બોર અને પાછતરી કેરી જેવા કુદરતી સંકેતોને આધારે વરસાદની શક્યતાઓ નક્કી કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે જૂન મહિના સુધી કેરડામાં ફળ જોવા મળ્યા હતા. સામાન્ય દિવસોમાં મે મહિના સુધી કેરડાના તમામ ફળ પરિપકવ થતા હોય છે. ત્યારે આ વર્ષે જૂન મહિના સુધી કેરડામાં ફળ જોવા મળતા આ ફળો પાછોતરો વરસાદ હોવાનો કુદરતી સંકેત પણ આપી રહ્યા હતા. વધુમાં ગીરમાં પાકતી કેસર કેરીનો બીજો ફાલ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો હતો. કુદરતી રીતે આ સંકેત પણ પાછતરા વરસાદને વધુ પ્રમાણિત કરે છે.
જુલાઈના અંતિમ દિવસો અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની શક્યતાઓ
વર્ષા વિજ્ઞાન આગાહીકારોએ જુલાઈ મહિનાની 27 તારીખ સુધી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારબાદ 10 ઓગસ્ટ પછી સારો વરસાદ પડવાની આગાહીઓ વ્યક્ત કરી છે. વધુમાં આ વર્ષે ખંડવૃષ્ટિવાળું ચોમાસુ હોવાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને ગામોમાં સવિશેષ વરસાદ પડશે તેવી આગાહીઓ પણ વ્યક્ત કરાઈ છે.
અગાઉ કરેલી 2 આગાહીઓ સાચી ઠરી હતી
ગત માર્ચ મહિનામાં મોહનભાઈ દલસાણીયાએ ETV Bharat સાથેની વાતચીતમાં મે મહિના સુધીમાં વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. તે મુજબ વાવાઝોડું પણ આવ્યું હતું અને ત્યાર બાદ વરસાદ ખેંચાઈ શકે છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી. જે બિલકુલ સાચી ઠરી હતી. હાલ ચોમાસાનો વરસાદ ખૂબ જ ખેંચાઇ રહ્યો છે. ત્યારે આવતી કાલે સોમવારથી ફરી એક વખત વરસાદ સક્રિય થાય તેવી આગાહી પણ તેમણે વ્યક્ત કરી છે.