- સક્કરબાગ ઝૂની દિવાળીના તહેવારમાં 24 હજારથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- સકરબાગ ઝૂને તહેવારોમાં રૂપિયા 7 લાખથી વધુની થઈ આવક
- 23 તારીખ બાદ શાળા-કોલેજ ફરી શરૂ થતા પ્રવાસીઓની સંખ્યામાં જોવા મળશે ઘટાડો
જૂનાગઢઃ જિલ્લામાં આવેલા અને એશિયાના સૌથી જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દિવાળીના ત્રણ દિવસમાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી અંદાજિત 24 હજાર કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેના થકી ઝુ ને 7 લાખ 43 હજાર જેટલી આવક થઈ હતી.
સક્કરબાગ ઝૂ સમગ્ર એશિયાનું સૌથી જૂનું પ્રાણીસંગ્રાલય
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય સમગ્ર એશિયામાં સૌથી જૂનું માનવામાં આવે છે. જેને કારણે અહીં તહેવાર અને વેકેશનના સમયમાં ખૂબ મોટી સંખ્યામાં દેશ અને વિદેશના પર્યટકો સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. અહીં દેશ અને દુનિયાના પશુ-પક્ષીઓને રાખવામાં આવ્યા છે.
કોરોના સંક્રમણ વચ્ચે પણ પ્રવાસીઓનો ધસારો
રાજ્યની તમામ કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાર્ય આગામી ૨૩ તારીખથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય અને જૂનાગઢના મોટાભાગના પર્યટન સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત બનતી જોવા મળશે. કોરોના વાઈરસને લઈ છેલ્લા નવ મહિનાથી પર્યટનમાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદીત જોવા મળી હતી. જોકે, દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકોએ પર્યટન સ્થળોની મુલાકાત લીધી હતી. દિવાળીના સમયમાં આ પરંપરા વર્ષોથી જળવાતી આવી છે, પરંતુ કોરોના સંક્રમણ કાળની વચ્ચે પણ ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો પર્યટન ઉદ્યોગને પ્રેરકબળ આગામી દિવસોમાં પૂરું પાડે તેવુ જણાઈ રહ્યુ છે.