- જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત જોવા મળી રહ્યો છે ઘટાડો
- જિલ્લામાં કુલ 1,640ની સામે 1,122 બેડ કોવિડ કેર સેન્ટરમાં થયા ખાલી
- હાલ જૂનાગઢ શહેર વિસ્તારમાં 518 કોરોના સંક્રમિત દર્દીઓ લઈ રહ્યા છે સારવાર
જૂનાગઢઃ કોરોનાએ પાછલા 2 મહિના દરમિયાન મચાવેલા હાહાકારને પગલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવેલા મોટાભાગના કોવિડ કેર સેન્ટર અને આઈસોલેશન સેન્ટર દર્દીઓથી ઉભરાતા જોવા મળ્યા હતા. એક સમય હતો કે જૂનાગઢમાં આવેલી 35 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓનો વેઇટિંગ હજાર કરતાં વધુ જોવા મળતું હતું. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહી હતી. આવી પરિસ્થિતિમાં અન્ય દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા સુધી ખૂબ જ લાંબી પ્રતિક્ષાયાદી જોવા મળી હતી. જેની સામે હવે કોરોનાનું સંક્રમણ ઘટતાં હોસ્પિટલોને પ્રતિક્ષાયાદી શુન્ય થઈને અત્યારે તમામ હોસ્પિટલમાં 1,122 જેટલા બેડ ખાલી થયેલા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5,342 કોરોના દર્દી માટે બેડ ખાલી
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને અન્ય 34 ખાનગી હોસ્પિટલોમાં પ્રતિક્ષાયાદી શુન્ય
જૂનાગઢ સિવિલ અને અન્ય 34 ખાનગી હોસ્પિટલોમાં કોરોના સંક્રમણ દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં 800 અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 840 જેટલા મળીને કુલ 1,640 બેડની કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર થઇ શકે તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. જેમાં હાલ 518 જેટલા કોરોના સંક્રમિત વ્યક્તિ સારવાર લઇ રહ્યા છે. જે પૈકીની જૂનાગઢમાં આવેલી 34 ખાનગી હોસ્પિટલોમાં 650 જેટલા અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 472 જેટલા બેડ મળીને કુલ 1,122 જેટલા બેડ હાલ ખાલી જોવા મળી રહ્યા છે. આજથી એક મહિના અગાઉ 1,000 કરતાં વધુની પ્રતીક્ષા યાદી ધરાવતી હોસ્પિટલમાં કોરોના સંક્રમણ ઘટતા બેડ ખાલી થતાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં રોજના 300 કોરોના કેસ, સરકારી હોસ્પિટલમાં 126 અને ખાનગીમાં આશરે 50 જેટલા બેડ ખાલી