- જૂનાગઢના માંગરોળમાં 1,400 લોકોનું કરાયું સ્થળાંતર
- તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને ખાળવા વહીવટી તંત્ર બન્યું સાબદુ
- NDRFની 2 ટીમને માંગરોળ નજીકના વિસ્તારોમાં કરાઈ તૈનાત
જૂનાગઢઃ ગુજરાત પર તૌકતે વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જિલ્લાના તાલુકા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. વાવાઝોડું આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટકી શકે, તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ રહી છે, ત્યારે વાવાઝોડાની ભયાનક અસરોને ખાળવા માટે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા માંગરોળમાં સંભવિત વિસ્તારમાં મુલાકાત કરીને લોકોના સ્થળાંતર સહિત વાવાઝોડાની અસરોને ખાળી શકાય તે દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઇને પોરબંદર જિલ્લામાંથી 2,000 લોકોનું સ્થળાંતર
NDRFની 2 ટીમને માંગરોળ નજીકના વિસ્તારોમાં કરાઈ તૈનાત
સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે NDRFની 2 ટીમને માંગરોળ બંદર પર તૌનાત કરી દેવામાં આવી છે, તેમજ માંગરોળ નજીક આવેલી દરિયા કાંઠા વિસ્તાર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું પણ સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના નીચાણવાળા વિસ્તારમાંથી પણ કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRF અને જિલ્લા તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા અંદાજે 1,400 કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરીને તમામને સલામત સ્થળે સરકાર દ્વારા બનાવવામાં આવેલા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. આ કામગીરી વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લઈને સતત હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈને ભરૂચના 30 ગામો એલર્ટ પર, અગરિયાઓનું સ્થળાંતર શરૂ કરાયું