જૂનાગઢઃ રાજ્યસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગતિવિધિઓમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણી આવતાની સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો રાજીનામું ધરીને લોકશાહીની પરંપરાને રાજકીય બનાવી રહ્યા છે. જેમાં સરકાર પણ પાછલા દરવાજેથી આવા ધારાસભ્યોને લોકશાહીનું હનન કરવા માટે મજબૂર કરતી હોવાનો આક્ષેપ ઠાકોર કોળી સમાજ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં મંગળવારે ઠાકોર કોળી સમાજની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને સમાજે પોતાનુ સમર્થન આપ્યું હતું.
ગત કેટલાક દિવસોથી રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ત્યારે ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને પણ કેટલાક લોકો દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઈને ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ તેમના સમર્થકોએ કર્યો હતો. જેમાં ધારાસભ્ય મક્કમ રહેતા હવે તેમને ઉના વિસ્તારમાં કેટલાક બનાવોમાં જોતરી દેવા માટે સરકાર પોલીસ પર દબાણ કરીને સમન્સ પાઠવી રહી છે. જેના વિરોધમાં મંગળવારે જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે ઠાકોર કોળી સમાજની બેઠક મળી હતી અને તેમાં પુંજા વંશને સમાજનું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.