- ગીરના સિંહ બાદ હવે દીપડાઓને પણ પહેરાવવામાં આવશે રેડિયો કોલર
- ગામના લોકો અને દીપડાઓ વચ્ચે વધી રહેલો સંઘર્ષ ટળશે
- શરુઆતમાં 5 જેટલા દિપડાને પહેરાવવામાં આવશે રેડિયો કોલર
જૂનાગઢ: વન વિભાગનો વધુ એક નિર્ણય ગીર વિસ્તારમાં આવેલા ગામના લોકો અને દીપડાઓ વચ્ચે વધી રહેલા સંઘર્ષ ટાળવા માટે જરૂરી બનશે. દીપડાઓને રેડિયો કોલર પહેરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 5 જેટલા દીપડોને રેડિયો કોલર પહેરાવીને સમગ્ર ઓપરેશનનું મૂલ્યાંકન કરવાની દિશામાં વન વિભાગ આગળ વધશે તેવી મુખ્ય વન્ય સંરક્ષક પ્રાણી વર્તુળ ડૉ દુષ્યંત વસાવડાએ ઈ ટીવી ભારત સાથેની વાતચીતમાં સમગ્ર ઓપરેશનને લઈને માહિતી આપી હતી.
દીપડાઓને પહેરાવવામાં આવશે રેડિયો કોલર
આગામી દિવસોમાં ગીર વન વિભાગ સિંહ બાદ હવે દીપડાને રેડિયો કોલર પહેરાવવાની દિશામાં આગળ વધશે. ગીર વિસ્તારના ગામડાઓ કે જ્યાં માનવ અને દીપડાઓ વચ્ચે ગત કેટલાક વર્ષોમાં સંઘર્ષના અનેક બનાવો બન્યા છે. જેમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે ત્યારે આવા વિસ્તરામાં રહેતા દીપડાઓનું લોકેશન જાણી શકાય અને હુમલો કરીને નાસી જનાર દીપડો ક્યાં વિસ્તારમાં છે તેની ચોક્કસ માહિતી વન વિભાગને મળી શકે તે માટે રેડિયો કોલર પહેરાવવાની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
રેડિયો કોલર પહેરાવવાની કામગીરી મુખ્ય પ્રધાન રૂપાણીએ શરુ કરાવી હતી
ગીરના સિંહોને રેડિયો કોલર પહેરાવવાની કામગીરી મુખ્ય પ્રધાન રૂપાણીએ શરુ કરાવી હતી. જે પૈકીના 20 ટકા સિંહોને રેડિયો કોલરથી સુરક્ષિત પણ કરવામાં આવ્યા છે. ત્યારે વન વિભાગે દીપડાઓને પણ રેડિયો કોલર પહેરાવવાની દિશામાં કામગીરી હાથ પર લીધી છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગે પણ તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે ત્યારે આગામી દિવસોમાં 5 જેટલા દીપડાઓને રેડિયો કોલર પહેરાવવાની કામગીરી શરુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર વિસ્તરામાં દીપડાની મોટી સંખ્યાને લઈને આ કામગીરી કેટલીક મુશ્કેલીઓ સર્જી શકે તેમ છે. પરંતુ પ્રારંભિક તબક્કામાં 5 જેટલા દીપડાઓને રેડિયો કોલરથી સજ્જ કરવા માટે વન વિભાગ તૈયારીઓ કરી રહ્યું છે.