- જૂનાગઢ પોલીસે ચીખલીકર ગેંગના બે સભ્યોને સુરતથી દબોચી લીધા
- બન્ને આરોપીઓની સુરત, રાજકોટ અને મહારાષ્ટ્રમાં થયેલા ચોરીના ગુનામાં સંડોવણી
- બન્ને આરોપી પાસેથી પોલીસને 5 લાખ કરતાં વધુના સોના-ચાંદીના દાગીના મળી આવ્યાં
જૂનાગઢ : શહેર અને આસપાસના વિસ્તારમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતા ચીખલીકર ગેંગના બે સભ્યોને 5 લાખ કરતાં વધુના સોના-ચાંદીના દાગીના તેમજ કેટલાક મુદ્દામાલ સાથે સુરતથી ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ ગુજરાતના સુરત, રાજકોટ અને મહારાષ્ટ્રમાં મળીને કુલ 12 કરતાં વધુ ગુનાઓને અંજામ આપ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. જેના પર પોલીસે બન્ને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા
જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. થોડા સમય અગાઉ જૂનાગઢ B ડિવિઝન પોલીસ મથકમાં દાગીનાની ચોરીને લઈને એક કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી હતી. આરોપીઓ પોલીસ પકડથી દૂર જોવા મળતા હતા. ચીખલીકર ગેંગના સભ્યો જૂનાગઢમાં પ્રવેશ્યા હોવાની માહિતી મળતા પોલીસે જોષીપરા વિસ્તારમાંથી શંકાસ્પદ બે શખ્સોની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમની પાસેથી અંદાજિત 5 લાખ કરતાં વધુના ચોરાયેલા સોના-ચાંદીના દાગીના મળી આવતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ચીખલીકર ગેંગના સભ્યો સફળતાપૂર્વક રેકી કરીને આપતા હતા ચોરીને અંજામ
ચીખલીકર ગેંગના પકડાયેલા 2 સભ્યો ચોરીને અંજામ આપતા પૂર્વે જે તે વિસ્તારમાં તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવવાના ધંધો કરતાં અને લોકોને તેના ભરોસામાં લઈને ચોરી જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપતાં હતાં. દિવસ દરમિયાન ડુપ્લિકેટ ચાવી બનાવીને ગુજરાન ચલાવતા આ બન્ને શખ્સો ચીખલીકર ગેંગના સભ્યો હોવાની જાણ સુદ્ધા આ વિસ્તારના લોકોને થવા પામી ન હતી. મુળ મહારાષ્ટ્ર અને હાલ સુરતમાં અસ્થાઈ રહેતાં પરબતસિંગ સરદારજી અને અમૃતસિંગ સરદાર બન્ને શખ્સોએ સફળતાપૂર્વક ઘરમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતાં હતાં.
ચીખલીકર ગેંગના પકડાયેલા બન્ને સભ્યોનો ગુનાહિત ઈતિહાસ
જૂનાગઢ પોલીસે જે બન્ને ચીખલીકર ગેંગના સભ્યોની ધરપકડ કરી છે. તેમના નામે ગુજરાતના રાજકોટ, સુરત અને મહારાષ્ટ્રમાં કેટલાંક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેમાં સુરત શહેરના વિવિધ પોલીસ મથકોમાં આ જ પ્રકારની 11 પોલીસ ફરિયાદ આ બન્ને ચીખલીકર ગેંગના સભ્યો સામે નોંધવામાં આવી છે. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારની 2 ફરિયાદ અને સરદાર આરોપી સામે નોંધવામાં આવી છે. આ વધુમાં ચીખલીકર ગેંગના આ સભ્યોની વિરુદ્ધ મહારાષ્ટ્રના પૂણેમાં 2 અને નંદુરબારમાં એક મળીને કુલ 3 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.