- જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા 16 ગેરકાયદેસર હથિયાર અને 15 કારતૂસ ઝડપી પાડયા
- માણાવદરના કુખ્યાત રહીમ અને તેના સાગરીત પાસેથી મળ્યો હથિયારનો જથ્થો
- પોલીસે બન્ને કુખ્યાત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
જૂનાગઢઃ પોલીસને મોટી સફળતા મળી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાંથી પોલીસે હથિયારના મોટા જથ્થા સાથે બે કુખ્યાત ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ અને માણાવદર પોલીસના સંયુક્ત અભિયાનથી મોટી સંખ્યામાં હથિયાર અને કારતૂસનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલા બન્ને આરોપી પાસેથી 15 જેટલા ભારતીય બનાવટના દેશી હથિયાર અને પંદર જેટલી કારતૂસને પકડી પાડવામાં સફળતા મળી છે. આટલી મોટી સંખ્યામાં હથિયાર મળી આવતા જૂનાગઢ પોલીસ પણ ચોંકી ઉઠી છે અને સમગ્ર હથિયાર સપ્લાયના પગેરા સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા, બે શખ્સોને ઝડપી પાડયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-police-photo-01-pkg-7200745_12042021145600_1204f_1618219560_652.jpg)
આ પણ વાંચોઃ સિદ્ધપુરમાં હની ટ્રેપને અંજામ આપનારાને પોલીસે ઝડપ્યા
બંને આરોપીઓ યુપી અને એમપીમાંથી હથિયારો લાવ્યાની વિગતો આવી બહાર
કોરોના સંક્રમણને કારણે લાદવામાં આવેલા લોકડાઉન બાદ રહીમ અને તેનો સાગરીત મધ્ય પ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી ગેરકાયદેસર હાથ બનાવટના હથિયારનો વેપાર કરતા કોઈ સની નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. તેમની પાસેથી આ હથિયારની ખરીદી કરી હોવાથી વિગતો જૂનાગઢ પોલીસને આરોપીની પૂછપરછ દરમિયાન મળી આવી છે. જેને લઇને પોલીસે પણ હવે હથિયારની સપ્લાય કરતા આરોપી સુધી પહોંચવા માટે તજવીજ હાથ ધરી છે. વધુમાં પોલીસ સમગ્ર મામલાને લઇને કેટલીક વિગતો એકઠી કરવા જઈ રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં હથિયારો રાખવા પાછળનું કારણ શું હોઈ શકે અને ક્યા ઈરાદા સાથે આ બન્ને કુખ્યાત શખ્સોએ હથિયાર રાખ્યા છે. તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.
![જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા, બે શખ્સોને ઝડપી પાડયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-police-photo-01-pkg-7200745_12042021145600_1204f_1618219560_759.jpg)
આ પણ વાંચોઃ ભરૂચના એક બંગલામાં ચોરી કરવા ઘુસેલા બે તસ્કરોને પોલીસે ઝડપ્યા
આરોપીઓ ધરાવે છે ગંભીર અને ગુનાહિત ઈતિહાસ
સમગ્ર હત્યાકાંડમાં પકડાયેલો માણાવદરનો રહીમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તે વ્યક્તિ જૂનાગઢ જિલ્લાના માણાવદર, વંથલી, માંગરોળ, જૂનાગઢ અને જામનગર તેમજ અમદાવાદમાં પણ કેટલાક ગુનાઓને અંજામ આપીને પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આટલી મોટી માત્રામાં પકડાયેલા હથિયારો, કારતૂસને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. પકડાયેલા આરોપીઓ ક્યા ઈરાદાઓ સાથે હથિયારનો સપ્લાય કરતા હતા કે, તેમનો ઇરાદો અન્ય કોઈ ગુનાને અંજામ આપવાનો હતો. તેને લઈને પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે.