- જૂનાગઢ પોલીસે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ચોરી કરતા એક શખ્સને પકડી પાડ્યો
- મે મહિનાની 8 તારીખથી લઈને 22 તારીખ સુધીમાં થઈ હતી ગોડાઉનમાંથી ચોરી
- ચોરી કરનાર શખ્સ ભુપેન્દ્ર બાવાજી ગોડાઉનમાં કામ કરનારો પૂર્વ કર્મચારી
જૂનાગઢ: જિલ્લા પોલીસને ઇલેકટ્રોનિક્સ આઇટમની ચોરી કરતા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. શહેરના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આવેલા સેલ્સ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાંથી ગત તારીખ 8 મેથી લઈને 22 મે દરમિયાન અલગ-અલગ દિવસોમાં ટીવી, એસી સહિત ઇલેકટ્રોનિક્સ આઇટમની ચોરી થયાની પોલીસ ફરિયાદ 22 તારીખના દિવસે ગોડાઉનના માલિક દ્વારા બી ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે પૂર્વ બાતમી અને મળેલા પુરાવાને આધારે ગોડાઉનના પૂર્વ કર્મચારીની અટકાયત કરી છે.
આ પણ વાંચો : ભરબપોરે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી 2.20 લાખના દાગીનાની ચોરી
પૂર્વ કર્મચારી 14 દિવસ સુધી કમ્પનીના ગોડાઉનમાંથી કરતો હતો ચોરી
સેલ્સ ઇન્ડિયા કંપનીના કામ કરતા કર્મચારી ઉપેન્દ્ર ગિરી બાવાજી કમ્પનીના ગોડાઉનમાંથી અલગ અલગ સમયે અને દિવસે ટીવી, એસી માઇક્રોવેવ ઓવન સહિત ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ચોરી કરીને સફળ ફરાર થઈ જતો હતો. ચોરી કરાયેલી તમામ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ એના ઘર નજીક આવેલ શ્રીનાથજી રેફ્રિજરેશનમાં વહેંચી આપતો હતો. આવી કબૂલાત તેમણે પોલીસ તપાસ દરમિયાન આપી છે. આ દિવસો દરમિયાન આ શખ્સે કુલ ત્રણ લાખ કરતા પણ વધુના ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ચોરી કરી હતી, ત્યારે પોલીસે તેની પાસેથી અંદાજિત ત્રણ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરીને ઇલેકટ્રોનિક્સ આઇટમની ચોરીનો ભેદ ઉકેલ્યો છે.