જૂનાગઢઃ પવિત્ર ગિરનારની પાવન ભૂમિ અને દામોદર કુંડનાં જળ કળશની રવિવારે ધાર્મિક વિધિ-વિધાન સાથે પૂજન કરીને અયોધ્યામાં નવનિર્મિત મર્યાદા પુરૂષોત્તમ રામના મંદિર કાર્ય માટે જૂનાગઢમાં સંતોની પ્રેરક હાજરી વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને સોંપવામાં આવ્યા હતા. જ્યાં આગામી દિવસોમાં અયોધ્યા પહોંચીને રામ મંદિરના નિર્માણ માટે આ પવિત્ર જળને ઉપયોગમાં લઇ ભવ્ય રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવશે.
કાર્યક્રમની ઝાંખી
- ગિરનારની ભૂમિ અને દામોદર કુંડના પવિત્ર જળની પૂજા વિધિ કરાઈ
- સાધુ-સંતોની હાજરીમાં ધાર્મિક વિધિ-વિધાન અને પૂજન
- જૂનાગઢના સંતોએ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને સોપ્યું પવિત્ર જળ
- ભવ્ય રામ મંદિરના નિર્માણમાં વપરાશે આ પવિત્ર જળ
દામોદર કુંડનું જળ અને પવિત્ર તપોવન સિદ્ધ ગિરનાર ભૂમિનું દામોદર કુંડ સમીપે આવેલા રાધા દામોદર મંદિરમાં પંડિતોની હાજરીમાં હિન્દુ ધાર્મિક વિધિ વિધાન સાથે કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ પવિત્ર જળ અને ભૂમિને સાથે રાખીને મંદિરની પરિક્રમા પણ કરવામાં આવી હતી. તનસુખગીરી, મહાદેવ ભારતી તેમજ સ્વામિનારાયણ સંતોની હાજરીમાં જળ અને ભૂમિના કળશને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને અર્પણ કરવામાં આવ્યા હતા.
અયોધ્યામાં આગામી સમયમાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે. જેના શિલારોપણમાં ગિરનારની ભૂમિ અને દામોદર કુંડનું પવિત્ર જળ રામ મંદિરની શીલાને વધુ મજબૂતી આપવાની સાથે હિન્દુ સંસ્કૃતિને પણ વધુ પ્રજ્વલિત રાખવામાં વિશેષ યોગદાન આપશે. તેવો આશાવાદ સાધુ-સંતોએ આજના દિવસે વ્યક્ત કર્યો હતો.