- જૂનાગઢ વન વિભાગે સંભવિત શિકારી ટોળકીને લઈને યોજી પત્રકાર પરિષદ
- પાછલા બે દિવસમાં જૂનાગઢ, ભાવનગર, પાલીતાણા વિસ્તારમાંથી 25 કરતાં વધુ આરોપીની અટકાયત કરી
- પકડાયેલા આરોપીઓ શિકારની વૃત્તિ ધરાવે છે પરંતુ સિંહનો શિકાર કરવા આવ્યા હોવાની વાત વનવિભાગે નકારી
ગીર સોમનાથ: જિલ્લાના પ્રાચી નજીકના રેવન્યુ વિસ્તારમાં આવેલા ખાંભા ગામમાં સિંહબાળ લોખંડના ફાંસલામાં ફસાયેલો જોવા મળ્યો હતો. જેને લઇને વન વિભાગે કેટલાક વ્યક્તિઓની તપાસ હાથ ધરી હતી. જેને લઈને જૂનાગઢ વન વિભાગે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તો આ સાથે 25 કરતા વધુ સ્થાનિક ગુજરાતી લોકોને પકડવામાં આવ્યા હતા.વનવિભાગે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા તમામ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ સિંહોના શિકારને લઈને કોઈ નક્કર માહિતી મળી નથી.
જૂનાગઢ વનવિભાગે યોજી પત્રકાર પરિષદ, સિંહનો શિકાર કરતી ટોળકી સક્રિય હોવાની વાતનો કર્યો ઇન્કાર
ગીર સોમનાથમાં ફાસલામાં ફસાયેલા સિંહબાળને લઈને જૂનાગઢ વનવિભાગે યોજી પત્રકાર પરિષદ જૂનાગઢ વન વિભાગે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી નજીક આવેલા ખાંભા ગામમાં એક સિંહબાળ અને શિયાળ ફાંસલામાં ફસાયેલો જોવા મળ્યો હતો. ત્યારબાદ એક વ્યક્તિને સિંહ દ્વારા ઇજા પહોંચાડવામાં આવી હતી તેવી ઘટના સામે આવી હતી. જેને લઇને વનવિભાગે તપાસ હાથ ધરી હતી અને ત્યારે તાલાળા સરકારી હોસ્પિટલમાંથી સારવાર અધૂરી છોડીને ફરાર થઇ ગયેલો મુખ્ય આરોપી જૂનાગઢથી ઝડપાઇ ગયો હતો. જેની પૂછપરછમાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 30 કરતા વધુ આરોપી આ પ્રકારની અમાનવીય અને ગેર બંધારણીય ગતિવિધિમાં સામેલ જોવા મળતા હતા. વન વિભાગે ભાવનગર પાલીતાણા, સિહોર અને જૂનાગઢમાંથી મળીને કુલ 38 જેટલા લોકોને ઝડપી પાડયા હતા. આ તમામ પકડાયેલા આરોપીઓ પોતાના પરિવાર સાથે અસ્થાયી રૂપે આ વિસ્તારમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું.
પકડાયેલા આરોપીઓ પાસેથી વન્ય પ્રાણીને પકડવા માટેના ફાસલા માંસ અને હાડકા મળી આવતા વનવિભાગે તપાસ હાથ ધરી વનવિભાગે હબીબ પરમાર નામના સકમંદની ધરપકડ કરીને તેની પૂછપરછ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ દરમિયાન વનવિભાગે વધુ તપાસ હાથ ધરતા જૂનાગઢ ભાવનગર જિલ્લાના પાલિતાણા- શેત્રુંજી વિસ્તાર, સિહોર અને જૂનાગઢ ગ્રામ્યમાંથી મળીને કુલ 38 લોકોને પકડી પાડ્યા હતા. આ લોકો આ વિસ્તારમાં અસ્થાયી નિવાસ સ્થાન બનાવીને પોતાના પરિવાર સાથે કેટલાક સમયથી પોતાના વિસ્તારમાં આયુર્વેદિક ઔષધિઓનો વેપાર કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. પકડાયેલા આરોપી પાસેથી નાના વન્ય પ્રાણીઓને પકડવા માટેના ફાસલાઓ, છરી જેવા હથિયાર મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ચાર આરોપીઓ પૈકી મોટાભાગના આરોપી ભાવનગર તરફ ગયા હોવાનું જાણવા મળતાં વન વિભાગે પોલીસની મદદ લઈને આરોપીને સિહોર, પાલીતાણા વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના પરિવાર સાથે ઝડપાઈ ગયા હતા.
આરોપી પાસેથી પકડાયેલા માંસ, હાડકાને વનવિભાગે ફોરેન્સિક તપાસ માટે મોકલ્યાવન વિભાગે આરોપી પાસેથી પકડાયેલું માંસ અને હાડકાને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા હતા. માંસ અને હાડકા વન્યપ્રાણીઓના છે કે, નહીં તેને લઈને આગામી દિવસોમાં વધુ કેટલાંક ખુલાસાઓ થશે, પરંતુ આ વ્યક્તિઓ વન્ય પ્રાણીઓના શિકાર કરવાને ઇરાદે ફરતા હોય છે તેનો વનવિભાગે સ્વીકાર કર્યો હતો. પકડાયેલા આરોપીઓ સિંહનો શિકાર કરવા માટે આ વિસ્તારમાં ફરતા હતા તેનો વન વિભાગે ઇનકાર કર્યો હતો. વધુમાં વનવિભાગે આ વિસ્તારમાં કોઈ પરપ્રાંતિય શિકારી ગેંગ ફરી રહી છે, તેનો પણ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, પકડાયેલા તમામ આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારના અને ગુજરાતના વતની હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ તપાસના કેટલાક પાસાઓ જોડાતા જશે. કડીઓ મળી જશે ત્યારે સમગ્ર ઘટના પરથી સાચી હકીકત શું છે તે બહાર આવી શકે છે. હાલ તો વનવિભાગ ગંભીરતાથી મામલાની તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં સમગ્ર મામલામાં કોઇ ચોંકાવનારો વળાંક આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.