જૂનાગઢઃ શહેર અને જિલ્લાના વકીલોએ મંગળવારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સામે જૂનાગઢ જિલ્લા કોર્ટ સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો હતો. લોકડાઉનના 70 દિવસ દરમિયાન વકીલો પણ રોજગારીથી ભારે પરેશાન થઈ રહ્યાં છે, અને હજુ સુધી કોર્ટનું કામ શરૂ થયું નથી, ત્યારે વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આર્થિક સહાય માટે માગ કરી હતી.
પરંતુ બાર કાઉન્સિલ દ્વારા વકીલોની એક પણ માગ સ્વીકારવાનો નનૈયો ભણી દેતા તેના વિરોધમાં મંગળવારે જિલ્લાના વકીલોએ જિલ્લા કોર્ટ બહાર શાકભાજી ફ્રૂટ અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુનું વેચાણ કરી કાઉન્સિલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દર વર્ષે એક વકીલ પાસેથી રૂપિયા 1500 જેટલી રકમ રજીસ્ટર ફીના નામે એકઠી કરે છે. આ સિવાય દરરોજ પ્રેક્ટીસ કરતા વકીલો કોર્ટની કાર્યવાહી દરમિયાન બે કરતાં વધુ વેલ્ફેર ટિકિટનો પણ ઉપયોગ કરતા હોય છે. આ બંને રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જમા થાય છે. રજિસ્ટ્રેશનની અંદાજિત 11 કરોડ કરતાં વધુની રકમ જમા થાય છે, તેમજ વેલ્ફેર ટિકિટનો ખર્ચ પણ ખૂબ જ મજબૂત હોવાનું વકીલો જણાવી રહ્યાં છે, ત્યારે સંકટના સમયમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વકીલોને આર્થિક વળતર નહીં આપીને તાનાશાહી જેવું વર્તન કર્યું છે, તેના વિરોધમાં મંગળવારે વકીલોએ શાકભાજી ફ્રૂટ અને અન્ય જીવન જરૂરી ચીજોવસ્તુનું વેચાણ કરી કાઉન્સિલના વિચાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.