- કેન્દ્ર અને રાજ્ય સરકાર ગીરના કેટલાક સિંહોને અન્યત્ર ખસેડવાની કરી રહી છે હિલચાલ
- આ હિલચાલને વનવિભાગના પૂર્વ અધિકારીઓ ગણાવી ખૂબ જ ગંભીર
- ગીરના સિંહ ગીરમાં સુરક્ષિત: વન વિભાગના પૂર્વ અધિકારીઓ
જૂનાગઢઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગીરના સિંહોને અન્યત્ર ખસેડવાની હિલચાલ કરી રહી હોવાની માહિતી વન વિભાગના પૂર્વ અધિકારીઓને મળી છે. જેને લઇને તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ વનવિભાગના સૂચિત અને શંકાસ્પદ નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યાં છે. ગીરના સિંહો અન્ય પ્રદેશમાં ખસેડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે વનવિભાગ પણ સિંહોની સંતતિનું રક્ષણ થાય તે માટે તેને અન્ય રાજ્યો કે પ્રદેશ તરફ ખસેડવા જોઈએ તેવો તર્ક આપી રહ્યાં છે, ત્યારે આ નિર્ણયનો વન વિભાગના પૂર્વ અધિકારીઓ વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, સિંહોને સ્થળાંતર કરવાનો એક પણ પ્રયાસ તે સફળ થવા દેશે નહીં.
- 2014થી સિંહોના સ્થળાંતરનો મુદ્દો બની રહ્યો છે ચર્ચાસ્પદ
વર્ષ 2014માં કોંગ્રેસશાસિત કેન્દ્ર સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો હતો. જેનો વિરોધ જે તે સમયે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો અને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, ગીરના સિંહો ગીરમાં સુરક્ષિત છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન થતાં મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે ગીરના સિંહોને મધ્યપ્રદેશ મોકલવામાં આવે તેવી માગ કરી હતી. જેનો પ્રત્યુતર 2014 બાદ કેન્દ્રમાં સત્તા સ્થાને આવેલા ભાજપની સરકારે નનૈયો ભણી દીધો હતો. ત્યાર બાદ આ મામલો વનવિભાગની ફાઇલોમાં દબાયેલો જોવા મળી રહ્યો હતો. મધ્યપ્રદેશમાં સત્તાપલટો થયો છે અને ત્યાં ભાજપની સરકાર સત્તારૂઢ બની છે. કેન્દ્ર સરકાર પણ ગીરના કેટલાક સિંહોને મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાં ખસેડવાનું મન બનાવી લીધું હોવાની માહિતી વન વિભાગના પૂર્વ અધિકારીઓને પ્રાપ્ત થઇ રહી છે. જેનો તે વિરોધ પણ કરી રહ્યા છે.
- જામનગર નજીક ખાનગી પાર્કમાં દીપડાને ખસેડવાની શરૂઆત થતાં સિંહ પણ અન્ય પ્રદેશો તરફ ખસેડવા શક્યતાઓ પ્રબળ
થોડા દિવસો પહેલાં કેન્દ્ર અને રાજ્ય સરકારે જામનગર નજીક બનેલી ટાઉનશીપમાં આકાર લઈ રહેલા ખાનગી પાર્કમાં જૂનાગઢથી 35 જેટલા દીપડાઓને ત્યાં ખસેડવાનો નિર્ણય કર્યો છે. જે પૈકીના 24 દીપડાને ત્યાં મોકલી પણ આપવામાં આવ્યા છે. આ પ્રકારની કામગીરીથી હવે વનવિભાગના પૂર્વ અધિકારીઓ પણ ચોંકી ગયાં છે અને એવી શક્યતાઓને નકારી નથી રહ્યાં કે, આગામી દિવસોમાં ગીરના કેટલાક સિંહોને અન્ય પ્રદેશો તરફ ખસેડવાની દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ચોક્કસ આગળ વધશે, પરંતુ બંન્ને સરકારનો આ નિર્ણય સિંહોની સુરક્ષા એની સંતતિ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે.