જુનાગઢ: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે વર્ષ 2022/23નું સામાન્ય અંદાજપત્ર (Union Budget 2022) લોકસભામાં રજુ કર્યું હતું. સમગ્ર બજેટને લઈને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો નારાજ (farmers of Junagadh On Union Budget 2022) થયા છે. ખેડૂતો માની રહ્યા છે કે, બજેટની જોગવાઇ અને જે જાહેરાતો કરવામાં આવી છે તેમજ આવનારા વર્ષમાં દેશનો જે આર્થિક વિકાસ દર હાંસલ કરવાનો પ્રયત્ન થશે તેવી બજેટની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે તે બિલકુલ સત્યથી દૂર અને પાયાવિહોણી લાગી રહી છે. વાસ્તવિક દ્રષ્ટિએ બજેટ વિકાસલક્ષી હોવું જોઈએ, પરંતુ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2022/23નું વૃદ્ધિ લક્ષી બજેટ રજૂ કરીને દેશના ખેડૂતોને વધુ એક વખત નિરાશ કર્યા છે.
આ પણ વાંચો: CM Bhupendra Patel Reaction : મુખ્યપ્રધાને બજેટ 2022ને ગણાવ્યું આત્મનિર્ભર
ખેડૂતોની આવકને લઈને બજેટમાં કોઈ પણ પ્રકારની જોગવાઇ નહી
સમગ્ર બજેટમાં ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરવાને લઇને કોઇ નક્કર જોગવાઈ અને અનુદાનની ફાળવણી કરવામાં આવી નથી. પાછલા કેટલાક વર્ષોથી વર્ષ 2022/23 સુધી દેશના તમામ ખેડૂતોની આવક બમણી કરવાને લઈને કેન્દ્ર સરકાર અને નાણાં પ્રધાન જોરશોરથી પ્રચાર કરી રહ્યું હતું, પરંતુ આ બજેટમાં ખેડૂતોની આવકને લઈને એક શબ્દનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી, જેને લઇને ખેડૂતો વર્ષ 2022/23ના સામાન્ય અંદાજપત્રને નકારી રહ્યા છે. ખેડૂતોની આવક સિવાય ખેતી ક્ષેત્ર અને સીધા કોઈ આર્થિક લાભો મળે તે પ્રકારની એક પણ જોગવાઈ બજેટમાં જોવા મળતી નથી, જેને લઇને પણ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે.
ખેડૂતો કેન્દ્ર સરકારના બજેટને નકારી રહ્યા છે
વર્ષ 2022/23ના સામાન્ય અંદાજપત્રમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ખેડૂતો પાસેથી વિપુલ પ્રમાણમાં કૃષિ જણસોની ખરીદી કરવામાં આવશે તેવી વાત બજેટ દરમિયાન તેમણે કહી છે, પરંતુ ખેડૂતો પાસેથી ક્યાં પ્રકારે કેટલા બજારભાવે અને કઈ કૃષિ જણસોની ખરીદી કેન્દ્ર સરકાર કરશે તેનો ખુલાસો બજેટમાં જોવા મળતો નથી, જેને લઇને પણ ખેડૂતો કેન્દ્ર સરકારના બજેટને નકારી રહ્યા છે.
આ પણ વાંચો: GCCI Reaction On Budget 2022 : બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકટચર અને ટેકનોલોજી સેકટર પર ફોક્સથી અર્થતંત્રને ફાયદો થશે
બજેટમાં વિકાસના ચશ્મા પહેરાવીને વૃદ્ધિને આગળ ધપાવવાની નીતિ
ખેડૂતો એવી પણ માંગ કરી રહ્યા છે કે, આ બજેટમાં કેન્દ્ર સરકાર કૃષિ જણસોના ટેકાના ભાવને લઈને કોઈ કાયદો બનાવશે તેવી આશા અપેક્ષાઓ જગતનો તાત રાખી રહ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે બજેટમાં કૃષિ ઉત્પાદનના લઘુતમ મૂલ્ય જેવા કાયદાનો ઉલ્લેખ કર્યો નથી, જેને ખેડૂતો મજાક સમાન ગણાવી રહ્યા છે અને સમગ્ર બજેટમાં માત્રને માત્ર વિકાસના ચશ્મા પહેરાવીને વૃદ્ધિને આગળ ધપાવવાની નીતિ કેન્દ્ર સરકાર બનાવી રહી છે, તેને લઈને ભારે વિરોધ સાથે કેન્દ્ર સરકારના બજેટને પાયાથી નકાર્યું હતું.