- બગડું ગામ નજીક નદીના ધસમસતા પ્રવાહમાં ચાલક સાથે કાર ખાબકી
- સદનસીબે કાર ચાલકનો થયો ચમત્કારિક બચાવ
- જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે નદીઓ બની રહી છે ગાંડીતુર
જૂનાગઢ: બગડું ગામ પાસે આજે વહેલી સવારે એક કાર નદીના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી. જેમાં ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો. કાર ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ જતા તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
સદનસીબે કાર ચાલકને કોઈ નુકસાન થયું ન હતું
બગડું નજીક આજે બપોરના સમયે ઘટના ઘટી હતી. સદનસીબે કાર ચાલકને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ નદીના ધસમસતા પ્રવાહમાં ખાબકેલી કારને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને મહાકાય ક્રેનની મદદ લેવામાં આવી હતી. અંતે બે કલાક કરતાં વધુની ભારે જહેમત બાદ કારને પણ પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ગાંડીતુર બનેલી નદીના પ્રવાહમાં વાહન ચાલકો ફસાઈ રહ્યા છે
જૂનાગઢ જિલ્લામાં પાછલા 24 કલાક કરતાં વધુ સમયથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જિલ્લાની મોટી કહી શકાય તેવી ઓજત નદીમાં પણ હવે ધસમસતો પાણીનો પ્રવાહ બહાર આવી રહ્યો છે, ત્યારે ગાંડીતુર બનેલી નદીના પ્રવાહમાં વાહન ચાલકો ફસાઈ રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હજુ પણ ભારે વરસાદના કારણે આગામી દિવસોમાં નદીઓમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી શકે છે.