- શ્રાવણ માસમાં સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાનું છે વિશેષ મહત્ત્વ
- સ્ફટિક બરફના પહાડોમાંથી મળી આવતો હોવાને કારણે બરફના પથ્થર તરીકે પણ ઓળખાય છે
- સ્ફટિકનો ઉપરત્નોમાં પણ સમાવેશ હોવાથી તેનું છે ધાર્મિક મહત્વ
જૂનાગઢ: શ્રાવણ માસ હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. શિવ ભકતો દ્વારા શિવની પૂજા પણ ભારે ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે. હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, શિવની પૂજા લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. આજે આપણે દર્શન કરીએ સ્ફટિક શિવલિંગ (crystal shivling) ના અને જાણીએ તેમની પૂજા કરવાથી કેવા શુભ ફળો પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનામાં શિવના અનેક સ્વરૂપની પૂજા આદિ અનાદિ કાળથી થતી આવી રહી છે. જે આજે પણ જોવા મળી રહી છે.
જૂનાગઢમાં શ્રાવણ મહિનામાં સ્ફટિક શિવલિંગના દર્શન કરીને શિવભક્તો થાય છે ધન્ય
શિવને પ્રિય એવા શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા કરીને ભક્તો અનેરો આનંદ પ્રાપ્ત કરતા હોય છે, ત્યારે સ્ફટિક શિવલિંગની (crystal shivling) પૂજા કરવાથી અનેક શુભ ફળ પ્રાપ્ત થતા હોય છે. સ્ફટિકને હીરાનું ઉપરત્ન પણ માનવામાં આવે છે. તે બરફના પહાડોમાંથી (snow mountains) મળી આવતો હોવાને કારણે તેને બરફના પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતી આશ્રમમાં આવેલા શિવાલયમાં સ્ફટિક શિવલિંગના દર્શન કરીને શિવભક્તો અનેરો આનંદ મેળવી રહ્યા છે. સ્ફટિકનો ઉપરત્નોમાં સમાવેશ થાય છે અને તે મણિ હોવાને કારણે તેમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોવાથી તેની પૂજા કરવામાં આવે તો તેના અનેક શુભ ફળો પ્રાપ્ત થતા હોય છે. આવા સ્ફટિકમાંથી બનેલા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડતી નથી. જેથી તેના પૂજનનું વિશેષ મહત્વ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સોમનાથ મહાદેવને કરાયો તલનો અલોકિક શણગાર, ભાવિકો બન્યા ભક્તિમય
જૂનાગઢના ભારતી આશ્રમમાં શ્રાવણ માસમાં કરો સ્ફટિક શિવલિંગના દર્શન
સ્ફટિક શિવલિંગના દર્શન અને પૂજા ભગવાન શ્રી રામ દ્વારા વનવાસ કાળ દરમિયાન રામેશ્વરમ નજીક કરવામાં આવી હતી. રામ દ્વારા પૂજવામાં આવેલું શિવલિંગ પણ સ્ફટિકનું બનેલું હોવાની માન્યતા હિન્દુ ધર્મગ્રંથોમાં આજે પણ જોવા મળે છે. સ્ફટિકના શિવલિંગના દર્શન અને પૂજન કરવાથી દેવાધિદેવ મહાદેવ તુરંત પ્રસન્ન થાય છે અને ભક્તો દ્વારા કરવામાં આવેલી મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતાઓને લઈને શ્રાવણ માસમાં સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્વ આજે પણ જોવા મળી રહ્યું છે.