જૂનાગઢઃ સોશિયલ મીડિયાના સમયમાં કેટલાક પ્લેટફોર્મ પર કપલ ચેલેન્જ નામની પોસ્ટ અપલોડ થઈ રહી છે. જેને લઇને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ લોકોને ખૂબ જ સાવચેતી પૂર્વક આ પ્રકારની સોશિયલ એક્ટિવિટીમાં સામેલ થવું જોઈએ તેવી સલાહ આપી છે. છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર કપલ ચેલેન્જ નામની પોસ્ટ ખૂબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ તેમાં હોંશે-હોંશે ભાગ લઈ રહ્યા છે અને પતિ-પત્નીના ફોટા અપલોડ કરી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અનેક અજાણ્યા લોકો પણ કરતા હોય છે. ત્યારે કપલ ચેલેન્જ નામની એક્ટિવિટીમાં અપલોડ થયેલા કોઈપણ ફોટોગ્રાફ કે માહિતી અજાણ્યા લોકોના હાથમાં જવાને કારણે તેના દુરુપયોગ થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધી રહેવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ લોકોને આવી પોસ્ટથી દૂર રહેવા સલાહ આપી છે.
વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, જે લોકો આ પ્રકારની એક્ટિવિટીમાં ભાગ લઈ રહ્યા છે. તેઓ ખૂબ જ સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરે તેવું પણ ઇચ્છનીય છે. હાલ સાયબર ક્રાઈમના કિસ્સાઓ ધીમે-ધીમે બહાર આવી રહ્યા છે. ત્યારે કપલ ચેલેન્જ એક્ટિવિટી દરમિયાન અપલોડ થયેલી કોઈપણ પોસ્ટ અને તેનો ઉપયોગ અજાણ્યા લોકો ગેરરીતિ કરવા કે કોઈ ગુનાને અંજામ આપવા માટે પણ કરી શકે છે, આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની સમજદારીનો ઉપયોગ કરે અને શક્ય હોય ત્યાં સુધી આવી પોસ્ટ કરવાથી દૂર રહેવું જોઈએ, તેવી જિલ્લા પોલીસ વડાએ જૂનાગઢના લોકોને વિનંતી કરી છે.