જૂનાગઢઃ કોરોનાના કહેર વચ્ચે શુક્રવારના રોજ રાજ્ય સરકાર દ્વારા આગામી નવરાત્રિના આયોજનને લઇને કેટલાક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. તે મુજબ નવરાત્રિનું કોઈ જાહેર આયોજન થઈ શકશે નહીં. માત્ર મર્યાદિત લોકોની હાજરીમાં મૂર્તિનું સ્થાપન અને તેની આરતી બાદ તમામ પ્રકારના કાર્યક્રમોને પ્રતિબંધ લાવવામાં આવ્યા છે.
આરતી સમયે પણ સંગીતના કોઈપણ વાદ્યોને વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર ટેપ રેકોર્ડર પર જ માતાજીની આરતી કરીને નવરાત્રિના નવ દિવસની ઉજવણી કરવાના દિશાનિર્દેશો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયા છે. જેને લઈને નવરાત્રિમાં સંગીતના દેશી વાદ્યો જેવા કે તબલા, ઢોલક, હાર્મોનિયમ સહિતના વાદ્યોના વેચાણ અને તેના રીપેરીંગમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
નવરાત્રિના એક અઠવાડિયા અગાઉ સુધી સંગીતના દેશી વાદ્યો ઢોલક, તબલા, નગારા અને હાર્મોનિયમની ખરીદી અને તેના રીપેરીંગ માટે વેપારીઓ પાસે સમય જોવા મળતો ન હતો. પરંતુ આ વર્ષે કોરોના કહેરની વચ્ચે ગરબાના તમામ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા છે. જેના કારણે દેશી સંગીત વાદ્યોની ખરીદી કે તેના રીપેરીંગમાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિ આવી નથી.
છેલ્લા ચાર મહિનાની વાત કરતા વેપારી જણાવે છે કે, તેમણે એક માત્ર હાર્મોનિયમનું રીપેરીંગ કર્યું છે. આવા કપરા સમયેની વચ્ચે હાલ તો સંગીતના નવા વાદ્યોની ખરીદી દૂર રહી પરંતુ તેને રીપેરીંગ કરાવવા માટે પણ કોઈ લોકો દુકાને ફરકતા પણ નથી.