જૂનાગઢઃ 4 સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારની ભાજપની 14 જેટલી મહિલાઓ કોંગ્રેસમાં જોડાઇ હતી. જેને લઇને હવે રાજકારણ વધુ ગરમાઈ રહ્યું છે અને જૂનાગઢ શહેર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમગ્ર મામલે શીતયુદ્ધ જોવા મળી રહ્યું છે. શહેર ભાજપ પ્રમુખ સમગ્ર મામલાને કોંગ્રેસ દ્વારા ઉપજાવી કાઢવામાં આવેલો અને કોંગ્રેસની હતાશા હોવાનું જણાવી રહ્યા છે. તો સામા પક્ષે શહેર કોંગ્રેસ પ્રમુખ પણ ભાજપ પર જૂઠ્ઠાણા ફેલાવવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.
ગત 4થી સપ્ટેમ્બરના રોજ નેતા પ્રતિ પક્ષ પરેશ ધાનાણી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે હતા. આ સમયે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની 14 જેટલી મહિલાઓ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની હાજરીમાં વિધિવધ રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. જેને લઇને હવે ભાજપ આ 14 મહિલા કાર્યકરોના ભાજપ છોડવાથી લઈને કોંગ્રેસમાં સામેલ થવા સુધીની વાતોને રદિયો આપી રહ્યા છે.
ત્યારે હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપની વચ્ચે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ શીત યુદ્ધ વધુ કેટલું આગળ વધશે અને આજે જે લોકો કોંગ્રેસમાં છે, તે કદાચ ભાજપમાં સામેલ થાય અને જે લોકો આજે ભાજપના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે, તે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. તમામ શક્યતાઓની વચ્ચે હાલ તો શહેર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શીત યુદ્ધના મંડાણ થઈ રહ્યા છે.