- પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જૂનાગઢના કેશોદમાં યોજી ચૂંટણી સભા
- રાષ્ટ્રીય મુદ્દાને આગળ ધરીને પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માગ્યા મત
- કેશોદમાં ચૂંટણી સભા યોજીને ઉમેદવારો માટે માગ્યા મત
કેશોદ: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ચૂંટણી સભામાં હાજરી આપી હતી. જેમાં ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખે કેશોદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આવતી કેશોદ તાલુકાની 4 બેઠકો તેમજ કેશોદ અને નગરપાલિકાના 9 વોર્ડ માટેના 36 ઉમેદવારો માટે મત માંગ્યા હતા. કેશોદમાં યોજવામાં આવેલી સભામાં સી.આર. પાટીલે રાષ્ટ્રીય મુદ્દાઓને આગળ ધરીને મતદારોને મત આપવા વિનંતી કરી હતી. આ સાથે જ રામ મંદિર અને કશ્મીર જેવા મુદ્દાઓ પણ સભાના કેન્દ્ર સ્થાને રહ્યા હતા.
કોંગ્રેસ ભૂતકાળમાં જતી રહી હતી અને આગામી દિવસોમાં ચૂંટણી જંગમાંથી પણ બહાર થતી જોવા મળશે
પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભૂતકાળમાં જતી રહી છે અને આગામી દિવસોમાં ચૂંટણી જંગમાંથી પણ બહાર નીકળી જશે. પાટીલે વડાપ્રધાન મોદીના વખાણ કરતાં જણાવ્યું હતું કે, રામ મંદિર અને કશ્મીરમાંથી 370 ધારાને હટાવવાનું શ્રેય એકમાત્ર નરેન્દ્ર મોદીને જાય છે, જ્યારે આગામી રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે મતદારોને રાષ્ટ્રીય મુદ્દાને કેન્દ્રસ્થાને રાખીને મત આપવા માટે અપીલ કરી હતી.